મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

આજે રાજકોટમાં ૭૭ મોતઃ નવા ૩૭૯ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૬૬ પૈકી ૧૪ કોવીડ ડેથ થયુઃ શહેરનો કુલ આંક ૨૮,૫૨૫એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૨૨,૯૨૪ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૧.૬૫ ટકા થયો

રાજકોટ તા. ૨૧: શહેર - જિલ્લામાં   છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૭૭ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૩૭૯ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૦નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૧નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૭૭ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૬૬ પૈકી ૧૪ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૨૧૯  બેડ ખાલી છે.

નોંધનીય છે કે રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૬૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૬૬ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાએ ફરી ત્રેવડી સદી ફટકારી

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૭૯ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૮,૫૨૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૨,૯૮૪દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૩,૦૧૧  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૬૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૮૭ ટકા થયો  હતો. જયારે ૫૩૧ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૮,૮૮,૧૪૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૮,૫૨૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૧૬ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૫,૦૨૯  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:14 pm IST)