મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

કોવિશીલ્ડની કિંમત નક્કી થઇ : રાજ્યોને ૪૦૦માં તો ખાનગી હોસ્પિટલોને ૬૦૦માં મળશે એક ડોઝ

અત્યાર સુધી સરકારને સિરમ ઇન્સ્ટીટયૂટ પાસેથી ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી મળતી'તી : હાલ સરકારી હોસ્પિટલોમાં મફતમાં મળે છે રસી : ખાનગી હોસ્પિટલો માટે ૨૫૦ છે : કિંમત : આવતા મહિને ખાનગી હોસ્પિટલોમાં રસી લેવા દેવા પડશે ૭૦૦ રૂપિયા

નવી દિલ્હી તા. ૨૧ : ભારતમાં કોરોના વિરૂધ્ધ જંગને તેજ કરીને ૧ મે થી રસીકરણનો દાયરો વધી રહ્યો છે. રાજ્ય સરકારો અને પ્રાઇવેટ હોસ્પિટલોને વેકસીન કેટલા રૂપિયામાં મળશે તેનું એલાન થયું છે. સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ રાજ્યો અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે વેકસીનના એક ડોઝની કિંમત નક્કી કરી દીધી છે જે મુજબ કોવિડશીલ્ડની એક ખુરાક પ્રાઇવેટ હોસ્પિટલમાં જ્યાં ૬૦૦ રૂપિયામાં મળશે. બીજી બાજુ સરકારી હોસ્પિટલમાં તેની કિંમત ૪૦૦ રૂપિયા હશે. એટલે કે સરકારી હોસ્પિટલમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો ૪૦૦ રૂપિયા આપીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૬૦૦ રૂપિયા આપીને વેકસીન લગાવી શકશે.

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, કંપની વેકસીનની કુલ ઉત્પાદનનો ૫૦ ટકા હિસ્સો ભારત સરકારના રસીકરણ અભિયાનના કાર્યક્રમને આપશે અને બાકી રહેલા ૫૦ ટકા વેકસીન રાજ્ય સરકારો અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે હશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ફકત ભારત સરકાર જ રસી ખરીદી રહી હતી પરંતુ હવે રાજ્ય સરકાર પણ રસીને ખરીદી શકશે.

કંપનીઓ કેન્દ્ર સરકારને માત્રા દીઠ ૨૫૦ રૂપિયા વેચે છે. ભૂતકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૧ મેથી દેશભરમાં કોરોના રસીકરણનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જે યુવાનોને પણ આવરી લેશે. અત્યાર સુધીમાં ફકત ૪૫ વર્ષથી વધુ વયની રસી આપવામાં આવી હતી. જોકે, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજયોના મુખ્યમંત્રીઓએ પણ યુવાનોને રસી આપવાની માંગ કરી હતી.

આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દેશના ટોચના ડોકટરો સાથેના વિચારમથન બાદ લેવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર છેલ્લા એક વર્ષથી પ્રયાસો કરી રહી છે કે દેશમાં વધુને વધુ ભારતીયોને ટૂંક સમયમાં રસી આપી શકાય. આ બેઠકમાં સ્થાનિક કંપનીઓને વધુ રસી ઉત્પન્ન કરવા પ્રેરણા આપવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય અન્ય ભારતીય અને વિદેશી રસીઓને પણ મંજૂરી આપવાની ચર્ચા છે.

આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે રસી બનાવતી કંપનીઓ તેમના કુલ ઉત્પાદનનો ૫૦ ટકા હિસ્સો રાજય સરકારોને આપશે, જયારે અડધી માલ-માલ પૂર્વ-નિર્ધારિત ભાવે ખુલ્લા બજારમાં વેચી શકશે. એટલું જ નહીં, રાજય સરકારો તેમની જરૂરિયાતો અનુસાર સીધી કંપનીઓ પાસેથી રસી ખરીદી શકે છે. આ ઉપરાંત રાજય સરકારે એક વાતને વધુ સ્પષ્ટ કરી છે કે અગ્રતા જૂથના લોકોની રસીકરણ ચાલુ રહેશે. હાલમાં સરકારી કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલોમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો રસી અપાય છે.

(3:15 pm IST)