મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

આગામી ત્રણ સપ્તાહમાં કોરોના સંક્રમણ ચરમસીમા પર પહોંચી જશે : નીતિ આયોગની મોટી ચેતવણી

આવનારા સંકટને પહોંચી વળવા માટે પહેલેથી જ હોસ્પિટલોનાં ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબુત બનાવવું જોઇએ

નવી દિલ્હી,તા.૨૧: દેશમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતી વધુ વણસી શકે તેવી આશંકા નીતિ આયોગે વ્યકત કરી છે, તેના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ સપ્તાહ કોરોના સામેની લડાઇ માટે મહત્વનાં છે, નિતી આયોગની આરોગ્ય સમિતિનાં સભ્ય વી કે પોલે કેન્દ્ર શાસિત પ્રદેશોને કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવાની રણનિતી પર કામ કરવાની સલાહ આપી છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ વર્ચ્યુઅલ મિટિગમાં જણાવ્યું કે દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં આ દરેક દિવસે ૨૦,૦૦૦ નોંધાતા હતા જો કે હવે તે ૧૦ ગણા વધી ગયા છે. માત્ર ૧૦ જ દિવસમાં દેશમાં કોરોનાનાં કેસ બેગણા થઇ ગયા છે, તેમણે જણાવ્યું કે ૯ એપ્રિલનાં દિવસે દેશમાં કુલ ૧.૩૧ લાખ એકિટવ કેસ મળ્યા જયારે ૨૦ એપ્રિલનાં દિવસે તે વધીને ૨.૭૩ લાખ થઇ ગયા છે.

તેમણે વધુમાં જણાવ્યું આગામી ત્રણ દિવસોમાં આવનારા સંકટને પહોંચી વળવા માટે પહેલેથી જ હોસ્પિટલોનાં ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબુત બનાવવું જોઇએ, તેમણે કહ્યું કે આપણે આરટી-પીસીઆર ટેસ્ટમાં પણ વધારો કરવો જોઇએ, તે ઉપરાંત રેપિડ એન્ટિજન ટેસ્ટને પણ ચાલું રાખવા જોઇએ. તેમણે કોરોના પ્રોટોકોલને પણ કડકપણે અમલી બનાવવા પર ભાર મુકયો છે.

(4:16 pm IST)