મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

પ્રિયંકા ગાંધીએ સરકારને લીધી આડે હાથ

લોકો હોસ્પિટલોમાં મરી રહ્યા છે અને પીએમ મોદી ચૂંટણીની રેલીઓમાં હસી રહ્યા છે

નવી દિલ્હી, તા.૨૧: કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે જણાવ્યું કે, આ કોરોના મહામારી દરમિયાન લોકો સારવાર વગર મરી રહ્યા છે અને આ બધું જોઈને મન ખૂબ જ દુખી છે. તે સમયે તેમણે વડાપ્રધાન મોદીની ચૂંટણી રેલીઓ પર પણ સવાલ ઉઠાવ્યો હતો. પ્રિયંકા ગાંધીના કહેવા પ્રમાણે મહામારીનો આ સમય ચૂંટણી રેલીઓ યોજવા માટે બિલકુલ યોગ્ય નથી. આ સંજોગોમાં જયારે વડાપ્રધાને લોકોના આંસુ લુછવા જોઈએ અને તેમને આ મહામારીથી બચાવવા જોઈએ ત્યારે તેઓ રેલીઓ યોજી રહ્યા છે. ચૂંટણી સભાઓમાં હસતા જોવા મળે છે.

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, દેશમાં કોરોનાની બીજી લહેર વખતે સરકારનું વલણ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. એક તરફ સમગ્ર દેશના લોકો કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યા છે ત્યારે બીજી બાજુ વડાપ્રધાન ચૂંટણી રેલીઓમાં વ્યસ્ત છે. આ સમયે સરકારે મહામારીનો સામનો કરવા પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દેવી જોઈતી હતી પરંતુ ગ્રાઉન્ડ પર સરકારના કામ નથી દેખાઈ રહ્યા. વિપક્ષી પાર્ટીઓએ વર્તમાન સરકારને અનેક ઉપયોગી સલાહ આપી પણ રાજનીતિ કરવાના ચક્કરમાં તે સલાહની અવગણના કરવામાં આવી.

પ્રિયંકાએ દેશભરના નાના વ્યવસાયોમાં રોકાયેલા લાખો ગરીબો અને લાખો ઈમાનદાર શ્રમિકોનું શું તેવો સવાલ કર્યો હતો. સાથે જ મોદી સરકાર તેમની મદદ કરવા શું કરી રહી છે તેવો સવાલ પણ કર્યો હતો.

(4:17 pm IST)