મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

કેરળ સરકારે બકરી ઇદ પ્રસંગે આપેલી છૂટછાટોનો જબરો વિરોધ : કોંગ્રેસ અને આઇએમએએ વખોડી

ક્યા આધારે કોરોનાની પ્રતિબંધાત્મક જોગવાઇઓમાંથી રાહત આપવાનો નિર્ણય લેવાયો ? સુપ્રીમકોર્ટે માંગ્યો જવાબ

નવી દિલ્હી : કેરળ સરકારે બકરી ઇદનાં તહેવાર માટે કોરોના સંબંધી નિયમોમાં છૂટછાટ આપતા, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે, જ્યાં કેરળ સરકારનો જવાબ માગવામાં આવ્યો છે.ક્યા આધારે કોરોનાની પ્રતિબંધાત્મક જોગવાઇઓમાંથી રાહત આપવાનો નિર્ણય લેવાયો એવો સવાલ સુપ્રીમે કર્યો છે. સુપ્રીમ કોર્ટને કરાયેલી અરજીમાં આ જ પ્રશ્ન ઉઠાવાયો છે કે જ્યારે કેરળમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો એના નિયમોમાં છૂટછાટ કેમ આપવામાં આવી છે?

કેરળ સરકારે કોરોના સંબંધી નિયમોમાં આપેલી છૂટછાટોનો કોંગ્રેસ અને ઇન્ડિયન મેડિક્લ એસોસિએશને પણ વિરોધ કર્યો છે. દરમ્યાન સુપ્રીમ કોર્ટે કાવડયાત્રાને લગતો કેસ બંધ કરી દીધો છે.

સુંપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ પ્રશાસનને જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના સંબંધી કોઇ પણ નિયમના પાલન બાબત આંખ આડા કાન કરવામાં આવે નહિ. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાવડ યાત્રા પર પ્રતિબંધ મૂકાયો છે.

કેરળ સરકારે બકરી ઇદ પ્રસંગે આપેલી છૂટછાટોનો વિરોધ શરૃ થયો છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કેરળ સરકારે બકરી ઇદના સમારંભ માટે આપેલી છૂટ નિંદનીય છે, કારણ કે આ રાજ્યમાં હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જો કાવડ યાત્રા ખોટી છે, તો બકરી ઇદ પર્વે સાર્વજનિક સમારંભની છૂટ આપવી એ પણ ખોટું છે.

ઇન્ડિયન મેડિક્લ એસોસિએશને કેરળ સરકારને એણે કોરોનાના નિયમોમાં આપેલી છૂટછાટોને પાછી ખેંચવાનો અનુરોધ કરતા કેરળ સરકારના નિર્ણયને તબીબી કટોકટીમાં બિનજરૃરી અને અનુચિત ગણાવ્યો છે. જો કેરળ સરકાર આ નિર્ણયને પાછો નહિ ખેંચે તો કાયદેસર પ્રક્રિયા મારફતે એની સામે કાર્યવાહી કરાશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કોરોનાને લગતા નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરતા વસ્ત્રો, પગરખાં, ઘરેણાં, ફેન્સી સ્ટોર, ઘરેલૂ ઉપકરણો વેચતી દુકાનો અને ઇલેક્ટ્રોનિક દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી અપાઇ છે. આ ઉપરાંત દરેક પ્રકારની રિપેરિંગની દુકાનો તથા આવશ્યક સામાન વેચતી દુકાનોને, 18,19, અને 20 જુલાઇએ સવારે 7 થી રાત્રે 8 સુધી એ, બી, અને સી શ્રેણીના વિસ્તારોમાં ખુલ્લી રાખવાની પરવાનગી અપાઇ છે.

(12:35 am IST)