મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

ટોક્યો ઓલમ્પિક -2020 પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ: ગમે ત્યારે ગેમ્સ થશે રદ્દ ;આયોજકે આપ્યા સંકેત

કોરોનના કેસમાં વધારો થાય અને ખેલાડીઓ સંક્રમિત થાય તો કેન્સલ થઇ શકે ગેમ્સ

ટોક્યો ઓલમ્પિક ગેમ્સ 2020ને હજી પણ રદ્દ થઇ શકે છે. આયોજન સમિતીએ તેને લઇને સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, જો ટૂર્નામેન્ટ દરમિયાના કોરોનાના કેસમાં વધારો થાય અને વધુ ખેલાડીઓને કોરોના સંક્રમણ થાય છે તો ઓલમ્પિકને ગમે ત્યારે રદ્દ કરી દેવામાં આવશે. ટોક્યો ઓલમ્પિક કમિટીના મુખ્યા તોશિરો મુટોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશેની માહિતી આપી છે.

તેમને આ મામલે સવાલ પુછવામાં આવ્યો હતો કે, શું ઓલમ્પિક કેન્સલ થઇ શકે છે ? આ સવાલના જવાબમાં તોશિરોએ કહ્યુ કે, અમે કોરોનાના કેસ પર નજર રાખી રહ્યા છીએ. જરૂર પડશે તો અમે બાકીના આયોજકો સાથે આ વિષયમાં વાત કરીશું. હાલમાં કોરોનાના કેસ વધી કે ઘટી શકે છે એટલે હાલમાં અમે આને લઇને કોઇ નિર્ણય નથી લીધો પરંતુ જો હાલાત વધુ ગંભીર બનશે તો અમે આ વિશે વિચારણા કરીશું

ઓલમ્પિક ગેમ્સના પહેલા જ ટોક્યોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. 1 જુલાઇથી લઇને હમણાં સુધી ગેમ સાથે જોડાયેલા લોકોમાં કોરોનાના નવા 67 કેસ નોંધાય ચૂક્યા છે. ફક્ત ટોક્યોમાં જ 20 જુલાઇના રોજ કોરોનાના 1387 નવા કેસ નોંધાયા છે. આવનાર સમયમાં જ્યારે બધા ખેલાડીઓ અને તેમનો સપોર્ટીવ સ્ટાફ અહીં પહોંચશે ત્યારે ખબર પડશે કે કોરોનાની સ્થિતી શુ છે.

પહેલા જ કોરોનાને ધ્યાનમાં રાખીને ઓલમ્પિક ગેમ્સને દર્શકો વગર જ રમાડવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને હવે કોરોનાને કારણે ગેમ્સ રદ્દ થવાની પણ શક્યતાઓ દેખાઇ રહી છે. ઓલમ્પિક 2020 રમાવાના નિર્ણય બાદ થી જ જાપાનના લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. ગેમ્સને રદ્દ કરવા માટે જાપાનના લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.

(12:00 am IST)