મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

ભારત જલ્દી ડીએનએ આધારીત વેક્સિન બનાવનાર દુનિયાનો પહેલો દેશ બની શકે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાનું રાજ્યસભામાં મોટું નિવેદન :કોરોના સંકટને કદી પણ રાજકીય સંકટ ન બનવા દેવું જોઈએ: થાળી અને તાલીએ લોકોનો વિશ્વાસ વધાર્યો

નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ કહ્યું કે ઘણી બધી ભારતીય કંપનીઓ કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારી રહી છે અને ભારત ટૂંક સમયમાં ડીએનએ આધારિત વેક્સિન બનાવનાર દુનિયાનો પહેલો દેશ બની શકે છે. કોવિડ-19 પરિસ્થિતિ પરની ચર્ચાનો જવાબ આપતા માંડવીયાએ કહ્યું કે બીજી લહેર દરિયાન ઓક્સિજન સપ્લાય વધારવા માટે કેન્દ્ર દ્વારા ઘણા પગલાં ભરવામાં આવ્યાં છે. દેશમાં ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશન ક્ષમતામાં પણ 10,000 મેટ્રિક ટનનો વધારો કરવામાં આવ્યો છે.

વેક્સિનેશન પર બોલતા માંડવીયાએ કહ્યું કે એવા ઘણા રાજ્યો છે કે જેમનીપાસે 10-15 લાખ વેક્સિનના ડોઝ વપરાયા વગરના પડી રહ્યાં છે બીજી બાજુ તેમના પ્રતિનિધિઓ ગૃહમાં સરકારને વેક્સિનેશન અભિયાન ઝડપી બનાવવાનું કહી રહ્યાં છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધારે અસર પડશે તેવું કહેવું અયોગ્ય છે. દેશમાં બાળકો પર પણ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે.

માંડવીયાએ કહ્યું કે અમારી સરકારે હમેંશા કહ્યું છે કે આ કોરોના સંકટને કદી પણ રાજકીય સંકટ ન બનવા દેવું જોઈએ. આવા સમયે રાજનીતિ ન થવી જોઈએ. પીએમ મોદી કહી ચૂક્યા છે કે જ્યારે 130 કરોડ ભારતીયો એક ડગલું આગળ વધારશે ત્યારે દેશ 130 કરોડ પગલાં આગળ વધી શકે છે.

  માંડવીયાએ જણાવ્યું કે વિપક્ષ કહી રહ્યો છે કે અમે ફક્ત થાળી-તાળી વગાડી. અમે આવું કોરોના યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા માટે કર્યું છે. અમે રસ્તાઓ પર ઊભેલા પોલીસકર્મીઓ માટે કર્યું. સૌથી નીચેના સ્તરથી સૌથી ઉપરના સ્તરના સ્વાસ્થ્ય કર્મીઓના સન્માનમા કર્યું. તેમણે કહ્યું કે એક મંત્રી પહેલા તો હું એક પિતા છું. કોરોના કાળમાં મારી પુત્રી કોવિડ વોર્ડમાં ઈન્ટર્ન ડોક્ટર તરીકે કામ કર્યું. તેણે મને કહ્યું હતું કે તે વોર્ડમાં કામ કરશે અને તેણે વોર્ડમાં કામ ચાલું પણ કર્યું. ખરેખર તો તે સમયે મને થાળી-તાળીના મહત્વનો અહેસાસ થયો તેનાથી અમને તાકાત મળી.

  માંડવીયાએ કહ્યું કે જે ડેટા રાજ્ય સરકારો આપે છે તે ડેટાને કેન્દ્ર સરકારે એકત્ર કરીને પ્રકાશિત કરે છે. અમારુ કામ ડેટા બહાર પાડવાનું છે. અમે મોતની સંખ્યા ઓછી દેખાડવા માટે કર્યું નથી. તેની પાછળ કોઈ કારણ પણ નથી

(12:00 am IST)