મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

૧૪ માસની મહામારીમાં ૧.૧૯ લાખ બાળકોએ પોતાના માતા-પિતાનું છત્ર ગુમાવ્યું : બન્યા અનાથ

ભારત સહિત ૨૧ દેશોમાં લગભગ ૧૫ લાખ બાળકોએ મા-બાપનું છત્ર ગુમાવ્યું

નવી દિલ્હી તા. ૨૧ : ભારતમાં કોરોના વાયરસે ફેલાવેલ તબાહીમાં લાખો જિંદગી બરબાદ થઇ છે અને તેની સૌથી વધારે અસર એ બાળકોને થઇ છે. જેમના મા-બાપ આ મહામારીનો શિકાર બન્યા છે. કોરોના વાયરસથી ભારત સહિત ૨૧ દેશોમાં લગભગ ૧૫ લાખ બાળકોના માથા પરથી મા-બાપ અથવા તેમની સાર સંભાળ રાખનારાઓનું છત્ર ઉઠી ગયું છે. 'ધ લાંસેટ'માં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર ૨૧ દેશોમાં ૧૫ લાખથી વધારે બાળકોએ મહામારીના પહેલા ૧૪ મહિના દરમિયાન કોરોનાના કારણે પોતાના માતા-પિતા અથવા દેખરેખ રાખનારને ગુમાવી દીધા છે. તેમાંથી ૧ લાખ ૧૯ હજાર બાળકો ભારતના છે.

રિપોર્ટ અનુસાર ૨૮૯૮ ભારતીય બાળકોએ પોતાના કસ્ટોડીયલ દાદા-દાદીમાંથી કોઇ એકને ગુમાવ્યા છે, જ્યારે નવ બાળકોએ પોતાના દાદા-દાદી બન્ને ગુમાવ્યા છે. આ અભ્યાસમાં કહેવાયું છે કે ભારતમાં કોરોનાના કારણે ૨૫,૫૦૦ બાળકોએ પોતાની માતાને ગુમાવી છે. જ્યારે ૯૦,૭૫૧ બાળકોએ પિતાને ગુમાવ્યા છે, તો ૧૨ બાળકો એવા છે જેમણે માતા-પિતા બંનેને ગુમાવ્યા છે.

જો કે ભારતમાં દર ૧૦૦૦ બાળકોએ માતા-પિતા અને કસ્ટોડીયલ પેરેન્ટના મરવાનો દર ૦.૫ છે જે દક્ષિણ આફ્રીકા ૬.૪, પેરૂ ૧૪.૧, બ્રાઝીલ ૩.૫, કોલંબીયા ૩.૪, મેકસીકો ૫.૧, રશિયા ૨.૦ અને અમેરિકા ૧.૮ જેવા અન્ય દેશોની સરખામણીમાં ઘણો ઓછો છે.

(11:46 am IST)