મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

ઇમરાનના મંત્રીનો મોટો દાવો

નવાઝ શરીફે કરાવ્યા ફોન હેક, 'દોસ્ત' મોદીએ કરી મદદ

ઈસ્લામાબાદ તા. ૨૧ : પાકિસ્તાનમાં ઈમરાન ખાનનો ફોન જાસૂસી સોફટવેર પેગસાસથી હેક થવાના મુદ્દે હોબાળો થયો છે. આ જાસૂસી અંગે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ રાજય મંત્રી ફર્રુખ હબીબે શંકા વ્યકત કરી છે કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના કાર્યકાળમાં ઈમરાન ખાનનો ફોન હેક થયો હતો. હબીબે કહ્યું કે એવી આશંકા છે કે નવાઝ શરીફે ભારતના વડાપ્રધાન અને તેમના દોસ્ત નરેન્દ્ર મોદી દ્વારા ઈઝરાઈલી સોફટવેપની મદદથી ઈમરાન ખાનનો ફોન હેક કરાવ્યો.

હબીબીએ કહ્યું કે મોદી સરકાર પણ એનએસઓ ગ્રુપના ગ્રાહકોમાં સામેલ છે. તેમણે ફૈસલાબાદમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું, 'નવાઝ શરીફે મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો અને જમ્મુ-કાશ્મીરના હુર્રિયત નેતાઓ સાથે મુલાકાત નહોતી કરી.' હબીબે કહ્યું કે દેશમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે શા માટે વડાપ્રધાન ઈમરાન ખાનનો ફોન હેક કરવામાં આવ્યો. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે નવાઝ શરીફનો જજોના ફોન ટેપ કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

આ પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે તે ભારતના જાસૂસીના મુદ્દાને અલગ-અલગ મંચ પર ઉઠાવશે. પાકિસ્તાનના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, તેમનો દેશ વડાપ્રધાન ઈમરાન ખાનના ફોનની ભારતથી હેંકિંગના મુદ્દે વધારે માહિતીની રાહ જોઈ રહ્યા છે. ચૌધરીએ કહ્યું કે જેવી ઈમરાન ખાનના ફોન હેકિંગ પર સંપૂર્ણ ડિટેલ આવશે તેને યોગ્ય મંચો પર ઉઠાવવામાં આવશે. પાકિસ્તાનમાં સામે આવેલી મીડિયાની ખબરોમાં કહેવામાં આવ્યું હતું કે, હેક કરવામાં આવી રહેલા ફોનના લિસ્ટમાં એક નંબર ઈમરાન ખાનનો પણ છે. એક દાવો પ્રમાણે ભારત સહિત ઘણાં દેશોની સરકારોના ૧૫૦થી વધારે પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તા અને અન્ય એકિટવિસ્ટ્સની જાસૂસી કરાઈ છે.

ડોન અખબારમાં ધ પોસ્ટને ટાંકીને દાવો કરાયો છે કે ભારતના ઓછામાં ઓછા ૧૦૦૦ નંબર સર્વિલન્સ લિસ્ટમાં હતા, જયારે પાકિસ્તાનના પણ સોથી વધુ નંબરનો તેમાં સમાવેશ થતો હતો. જેમાંથી એક નંબર એવો હતો જેનો ઉપયોગ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ કરતા હતા. જોકે એવી સ્પષ્ટતા નથી કરાઈ કે ઈમરાન ખાનનો ફોન નંબર હેક કરવાની કોશિશમાં સફળતા મળી કે નહીં.

ભારતમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લિસ્ટમાં આવવાથી રાજકીય તોફાન વધ્યું છે. રિપોર્ટ્સ મુજબ ભારતના ૩૦૦ નંબર મંત્રીઓ, વિરોધ પક્ષના નેતાઓથી લઈને પત્રકારો અને વૈજ્ઞાનિકોના છે. ભારતમાં રિપોર્ટ સામે આવ્યા પછી પાકિસ્તાની કેન્દ્રીય મંત્રી ફવાદ ચૌધરીએ ચિંતા વ્યકત કરી હતી અને મોદી સરકાર પર દેશના ધ્રુવીકરણનો આરોપ લગાવ્યો હતો. વર્ષ ૨૦૧૯માં ભારત સરકારે આ સોફટવેરના ઉપયોગનું ખંડન કર્યું હતું. સૌથી પહેલા ૨૦૧૬માં આ માલવેયર ચર્ચામાં આવ્યો હતો ત્યારે રિસર્ચર્સે સંયુકત આરબ અમીરાતના એક શખ્સની જાસૂસીનો આરોપ ઈઝરાઈલના NSO સમૂહ પર લગાવ્યો હતો, જે આ સોફટવેર બનાવે છે.

(11:47 am IST)