મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

જુના કેસોનો મામલો

ટેક્ષ લીટીગેશનને નીપટવા વટહુકમની તૈયારી

નવી દિલ્હી તા. ૨૧ : સરકાર કર સમીક્ષાના જૂના કેસો નિપટાવવા માટે કાયદાકીય વિકલ્પ શોધી રહી છે. તેમાં આવકવેરા અધિનિયમમાં આધ્યાદેશ જોડવાનું પણ સામેલ છે. કર સમીક્ષાના આ કેસોમાં જૂના નિયમો હેઠળ ૧ એપ્રિલથી ૩૦ જૂન વચ્ચે નોટીસો અપાઇ હતી.

આવકવેરા વિભાગના આ પગલાને ઘણી કં૫નીઓ અને વ્યકિતગત કરદાતાઓએ ઉચ્ચ ન્યાયાલયોમાં પડકાર્યુ છે. તેમણે આ નોટીસની કાયદેસરતાને પડકારતી અરજીઓ કોર્ટમાં કરી છે. તેમની દલીલ છે કે વિભાગનું આ પગલું ગેરકાયદેસર અને મનસ્વી છે કેમકે આવકવેરા અધિનિયમની જૂની જોગવાઇઓ હેઠળ હવે કાર્યવાહી ના થઇ શકે.

દિલ્હી, મુંબઇ અને કોલકત્તા જેવા શહેરોમાં ડઝનબંધ કરદાતાઓને વિભાગની નોટીસ પર ઉચ્ચ ન્યાયાલયોમાંથી વચગાળાનો સ્ટે મળી ગયો છે. આ અંગે માહિતી ધરાવતા બે અધિકારીઓએ કહ્યંુ કે જો કોર્ટના આદેશ અનુ કૂળ નહીં આવે અને આ નોટીસો પાછી ખેંચવાનું કહેવામાં આવશે તો આ પ્રકારના કાયદાકીય ઉપાયો પર વિચારણા થઇ શકે છે.

અધિકારીઓએ કહ્યું કે, વિભાગ ઉચ્ચ ન્યાયાલયોના વચગાળાના આદેશોનો અભ્યાસ કરી રહ્યો છે અને સંબંધિત કેસોમાં તર્કસંગત જવાબ પણ તૈયાર કરી રહ્યો છે. જૂનો આવકવેરા કાયદો ૩૧ માર્ચ સુધી જ અમલમાં હતો અને તેના હેઠળ છેલ્લા છ વર્ષના કર કેસોની સમીક્ષા માટે ફરીથી ખોલી શકાતો હતો. પણ નાણાં વિધેયક ૨૦૨૧ પાસ થયા પછી આ જોગવાઇ ખતમ થઇ ગઇ. પણ કર વિભાગે તેને ૩૦ જૂન સુધી અમલમાં ગણાવીને તેના અનુસાર ૧ એપ્રિલથી ૩૦ જૂન દરમિયાન હજારો કરદાતાઓને નોટીસ મોકલી હતી.

નવો આવકવેરા કાયદો ૧ એપ્રિલથી અમલમાં આવી ગયો છે. તેના અનુસાર છેલ્લા ફકત ત્રણ વર્ષના કેસ જ સમીક્ષા માટે ખોલી શકાય છે. ૫૦ લાખ રૂપિયા અથવા તેનાથી વધારે કરચોરીના ગંભીર કેસોને ૧૦ વર્ષ સુધી ખોલી શકાય છે.

(11:49 am IST)