મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

ઓલિમ્પિક ગેમ્સ ગમે ત્યારે રદ થશે ? : જાપાન સરકારના સંકેત

મેકિસકોના બે બેઝબોલ ખેલાડીઓ કોરોના પોઝિટિવ, બાર્ટી ગેમ્સ વિલેજમાં રહેશે નહીં: ઓલિમ્પિકના ગેમ્સ વિલેજમાં કોરોના સંક્રમણના મામલા વધી રહ્યા છે, આંકડો ૬૦ સુધી પહોંચી ગયોઃ ખેલાડીઓ માટે આકરા નિયમો લાદયા

ટોક્યો : મેકિસકન બેઝબોલના બે અધિકારીઓએ જાહેરાત કરી છે કે તેમના બે ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકના કેટલાક દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા છે. ૧૮મી જુલાઇએ હેકટર વેલાઝકવેઝ અને સેમી સોલિસનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંને ખેલાડીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. ટીમના અન્ય ખેલાડીઓના રિપોર્ટ અંગે રાહ જોવામાં આવી રહી છે.

 એસોસિયેશને જણાવ્યું હતું કે બંને ખેલાડીઓને તાત્કાલિક અસરથી ટીમથી દૂર કરવામાં આવ્યા છે અને હોટેલના તેમના રૂમ પણ બદલી નાખવામાં આવ્યા છે. મેડિકલ લેબોરેટરી રિપોર્ટ સુપરત કરે નહીં ત્યાં સુધી તમામને અલગ રહેવાનું તથા એકબીજાને નહીં મળવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી નેશનલ બેઝબોલ ટીમના તમામ સભ્યોએ હેલ્થ અંગે મેકિસકન ઓલિમ્પિક સમિતિ દ્વારા લાદવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરવાનું છે.

 ટોક્યો ઓલિમ્પિકના ગેમ્સ વિલેજમાં કોરોના સંક્રમણના મામલા વધી રહ્યા હોવાના કારણે ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર એશ્લે બાર્ટીએ ગેમ્સ વિલેજમાં નહીં રહેવાનો નિર્ણય કર્યો છે. તે ઇવેન્ટના દિવસે ટેનિસ સ્ટેડિયમ ખાતે રમવા માટે જશે. ઓસ્ટ્રેલિયન ટુકડીના પ્રમુખ ઇયાન ચેસ્ટરમેને પણ આ બાબતને સમર્થન આપ્યું હતું. જોકે તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ પોતાના ખેલાડીઓને અન્ય દેશોના એથ્લેટ્સથી દૂર રહેવાનો કોઇ આદેશ આપ્યો નથી. 

દરમિયાન કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહયો હોય ટોકયો ઓલિમ્પિક ગેમ્સ ગમે ત્યારે રદ થઇ શકે છે તેવા સંકેતો જાપાન સરકારે પણ આપ્યા હોવાનું બીનસતાવાર સુત્રોમાંથી જાણવા મળે છે.

(12:38 pm IST)