મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

દિલ્હી-યુપી-બિહારમાં આજે ભારે વરસાદની શકયતાઃ બિહારમાં નદીઓનું જળસ્તર વધ્યુ

બંગાળની ખાડીના ઉતરી ભાગમાં શુક્રવારથી લો-પ્રેશર સર્જાશેઃ ઓડીશા, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં જોરદાર વરસાદ પડશે

નવી દિલ્હી તા. ર૧ : રાજધાની દિલ્હી, યુપી-બિહાર સહિત દેશના ઘણા રાજયોમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ મુજબ દિલ્હી એનસીસારમાં આવતા બે દિવસ સુધી વરસાદની શકયતા છે.યુપીના આંચલીક હવામાન વિજ્ઞાન કેન્દ્ર મુજબ લખનૌમાંં વાદળો છવાયેલા રહેશે અને વરસાદ પડશે.

હવામાન ખાતાએ સીતાપુર, હરદોઇ, કાનપુર શહેર-ગ્રામ્ય, ઉન્નાવ અને આસપાસના જીલ્લાઓમાં જોરદાર વરસાદની ચેતવણી આપી છે. મહારાષ્ટ્રના રાયગઢ અને પુણે સહીત પાંચ જીલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ઉત્તરાખંડના નૈનીતાલ અને પીચૌરાગઢ જીલ્લામાં વરસાદની ચેતવણી છે. બિહારમાં ભારે વરસાદના કારણે નદીઓની સપાટી વધી છે.

યુપીના પશ્ચિમના વિસ્તારને છોડીને બાકીના ભાગો, બિહાર, ઝારખંડ, બંગાળમાં આવતા ૩ દિવસમાં સારો વરસાદ પડશે. દિલ્હી, હરિયાણામાં આજે ગાજવીજ સાથે હળવો વરસાદ થશે આ તમામ જગ્યાએ ર૩/ર૪ (શુક્ર-શનિ) મુશળધાર વરસાદ પડવાની શકયતા છે.

શુક્રવારથી બંગાળની ખાડીના ઉતરી ભાગમાં નિચુ દબાણ ઉદ્દભવશે. જેથી ઓડીશા, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં જોરદાર વરસાદ થશે. દિલ્હી, યુપી અને અન્ય ભાગોમાં પણ તા.ર૩ થી ચોમાસુ જોરદાર સક્રીય થશે. હવામાન વિભાગ મુજબ રર થી ર૪ વચ્ચે રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના અણસાર છે ઉપરાંત યુપીના ખુર્જા, પદાસુ, ગભાના, ઐર, ફિરોઝાબાદ, ઇગલાસ, અલીગઢ, ટુંડલા, આગરા, જલેસર સહીતની જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે.

(12:39 pm IST)