મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

અમૃતસરમાં સિદ્ઘુનું શકિત પ્રદર્શનઃ ૬૨ ધારાસભ્યો તેમના ઘરે ભેગા થયા

પંજાબ કોંગ્રેસનો ડખ્ખો હજુ ઠંડો નથી પડયો

ચંડીગઢ, તા.૨૧: કોંગ્રેસ હાઈ કમાને નવજોત સિંહ સિદ્ઘુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. તાજપોશી બાદથી જ તેઓ પોતાના સમર્થકોને મળે છે. પરંતુ પ્રદેશના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે તેમની મુલાકાત હજુ થઈ શકી નથી અને અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા આ બંને વચ્ચેનો ખટરાગ હાલ શાંત થાય તેવું જણાતું નથી. પંજાબના મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટ કરાયું છે કે જયાં સુધી સિદ્ઘુ માફી ન માંગે ત્યાં સુધી કોઈ મીટિંગ  કરશે નહીં. આ બાજુ સિદ્ઘુનું શકિત પ્રદર્શન સતત ચાલુ છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો નવજોત સિંહ સિદ્ઘુના ઘરે ભેગા થયા.

પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ઘુએ પાર્ટીના ધારાસભ્યોને અમૃતસર ખાતે પોતાના ઘરે બ્રેકફાસ્ટ પર બોલાવ્યા. ૬૨ જેટલા ધારાસભ્યો સિદ્ઘુના ઘરે પહોંચ્યા.

આ બધા વચ્ચે નવજોત સિંહ સિદ્ઘુના સમર્થકોએ સીએમ પર પલટવાર કરતા કહ્યું કે માફી તો તેમણે માંગવી જોઈએ કારણ કે તેઓ જનતાને આપેલા વચનો પૂરા કરી શકયા નથી. સિદ્ઘુના નીકટના અને જાલંધર કેન્ટથી વિધાયક પરગટ સિંહે કહ્યું કે કેપ્ટન અમરિન્દર સિંહ માફીની વાત કરી રહ્યા છે. પરંતુ જોઈ કોઈએ માફી માંગવી જોઈએ તો તે સીએમ પોતે છે. જે જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે.

સીએમ અમરિન્દર સિંહે પંજાબ પ્રભારી હરીશ રાવત સામે નવજોત સિંહ સિદ્ઘુ તરફથી માફી માંગવાની શરત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે સિદ્ઘુએ તેમના પર કરેલા અપમાનજનક હુમલા બદલ જાહેરમાં માફી માંગે.

પંજાબમાં ચાલી રહેલા વિવાદને લઈને મુખ્યમંત્રી અમરિન્દર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે સિદ્ઘુ અને અમરિન્દર સિંહ વચ્ચે થનારી બેઠકની અટકળોને ફગાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે નવજોત સિંહ સિદ્ઘુ દ્વારા અમરિન્દર સિંહને મળવા માટે સમય માંગવાની ખબરો સંપૂર્ણ રીતે ખોટી છે. કોઈ સમય માંગવામાં આવ્યો નથી. વલણમાં કોઈ  ફેરફાર નથી. સીએમ ત્યાં સુધી નહીં મળે જયાં સુધી સોશિયલ મીડિયા પર કરાયેલા અપમાનજનક હુમલા બદલ સિદ્ઘુ જાહેરમાં માફી ન માંગે.

આ સાથે જ રવીન ઠુકરાલે તે રિપોર્ટ્સ પણ ફગાવ્યા જેમાં કહેવાયું છે કે અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ઘુને છોડીને તમામ કોંગ્રેસ વિધાયકો અને સાંસદોને ૨૧ જુલાઈએ પોતાના દ્યરે જમવા બોલાવ્યા છે. રવીને ટ્વીટ કરીને કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે કેપ્ટન અમરિન્દર સિંહ ૨૧ જુલાઈના રોજ લંચ પર તમામ વિધાયકો અને સાંસદોને બોલાવ્યા છે પરંતુ આ ખબર સંપૂર્ણ રીતે ખોટી છે. સીએમએ આવી કોઈ લંચની યોજના બનાવી નથી, કે કોઈને આમંત્રણ મોકલ્યું નથી.

લોકસભા ચૂંટણી બાદથી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ઘુ વચ્ચે તકરાર ચાલુ છે. પંજાબના મંત્રીમંડળથી નવજોત સિંહ સિદ્ઘુએ રાજીનામું પણ આપ્યું હતું. ત્યારથી સિદ્ઘુ ખુલ્લેઆમ કેપ્ટન વિરુદ્ઘ મોરચો માંડી બેઠેલા જોવા મળ્યા. હવે જયારે આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે તો આવામાં સિદ્ઘુએ પોતના હુમલા પણ તેજ કર્યા અને સોશિયલ મીડિયા પર તેમના પર નિશાન સાધ્યું.

તાજેતરમાં નવજોત સિંહ સિદ્ઘુએ અનેકવાર કેપ્ટન અમરિન્દર સિંહ પર સીધા હુમલા કર્યા. મે મહિનામાં નવજોત સિંહ સિદ્ઘુએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે લોકોના મુદ્દા ઉઠાવી રહેલા મંત્રી, અને સાંસદ પાર્ટીને મજબૂત કરી રહ્યા છે, પોતાના લોકતાંત્રિક કર્તવ્યોને પૂરા કરી રહ્યા છે અને પોતાના બંધારણીય અધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સાચુ બોલનાર દરેક વ્યકિત તમારો દુશ્મન બની જાય છે.

(3:26 pm IST)