મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષપદે ચાલુ રહેશે

લોકસભા ચૂંટણી માટે કમર કસતું કોંગ્રેસ

નવી દિલ્હી, તા.૨૧ : ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ રૂ કરી દીધી છે અને તેના ભાગરૂપે કોંગ્રેસના માળખામાં આગામી દિવસોમાં ધરખમ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ચૂંટણી સુધી કોંગ્રેસ અધ્યક્ષ બદલવામાં નહીં આવે, સોનિયા ગાંધી બીજા બે વર્ષ કાર્યકારી અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે અને તેમને મદદ કરવા માટે બીજા ચાર કાર્યકારી અધ્યક્ષોની નિમણૂંક કરાશે. નિમણૂંક માટે ગુલામ નબી આઝાદ, સચિન પાયલોટ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક જેવા નેતાઓના નામ આગળ ચાલી રહ્યા છે.

સોનિયા ગાંધી છેલ્લા બે વર્ષથી કાર્યકારી અધ્યક્ષ છે. બીજી તરફ રાહુલ ગાંધીની પાર્ટીના કાર્યકારી કે ફુલટાઈમ અધ્યક્ષ તરીકે નિમણૂંક થવાની શક્યતાઓ નથી. સૂત્રોનુ કહેવુ છે કે, રાહુલ ગાંધી સંગઠનમાં ધરખમ ફેરફારો કરીને યુવા નેતાઓને સ્થાન આપવા માંગે છે.

જોકે અલગ-અલગ રાજ્યોમાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. પાર્ટી સામે આંતરિક વિખવાદ કેવી રીતે થાળે પાડવો તેનો મોટો પડકાર છે.

(7:43 pm IST)