મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

સંસદ થકી સરકાર દેશને ગેરમાર્ગે દોરે છે : કોંગ્રેસ

ઓક્સિજનના અભાવે એક પણ મોત ન થયાનો વિવાદ : ઓક્સિજનની જ નહીં પણ સત્ય અને સંવેદનશીલતાની પણ અછત હતી અને આજે પણ અછત છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.૨૧ : કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવે એક પણ મોત થયુ નથી તેવુ નિવેદન સરકારે રાજ્યસભામાં આપ્યા બાદ નવો વિવાદ છેડાયો છે. વિરોધ પક્ષો   નિવેદન પર પસ્તાળ પાડી રહ્યા છે ત્યારે આજે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, સરકાર તરફથી સંસદમાં જે ઉત્તર આપવામાં આવ્યો છે. અને તેમાં ત્રણ વાત સ્પષ્ટ છે. સ્વાસ્થ્ય રાજ્યોનો વિષય છે. કેન્દ્ર સરાકરે રાજ્યો દ્વારા જે ડેટા આપવામાં આવ્યા તે રજૂ કર્યા છે અને કોઈ પણ રાજ્યે ઓક્સિજનની કમીથી મોત થયુ હોવાનુ કહ્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી માત્ર ટ્વિટર ટ્રોલની જેમ કામ કરી રહ્યા છે અને લોકો વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યા છે. જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તેમણે પણ ઓક્સિજનથી કોઈ મોત નહીં થયુ હોવાનુ કહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે આખા દેશમાં સૌથી મોટુ સંકટ ઓક્સિજનનુ અને હોસ્પિટલ બેડની અછતનુ હતુ. લોકોની ઓક્સિજન માટે મારામારી આખા દેશમાં જોવા મળી હતી અને સુપ્રીમ કોર્ટે પણ દરમિયાનગીરી કરવી પડી હતી. દરમિયાન સરકારના નિવેદન બાદ વિપક્ષો મોદી સરકાર પર માછલા ધોઈ રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યુ હતુ કે, સરકાર સંસદ થકી દેશને ગેરમાર્ગે દોરી રહી છે.અમે સરકાર સામે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવીશું. રાહુલ ગાંધીએ પણ કહ્યુ હતુ કે, ઓક્સિજનની નહીં પણ સત્ય અને સંવેદનશીલતાની પણ અછત હતી અને આજે પણ અછત છે. દિલ્હીના સ્વાસથ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ હતુ કે, અમે ઓક્સિજનની અછતથી થયેલા મોતની તપાસ કરવા માટે એક કમિટી બનાવી હતી પણ તપાસ માટે ઉપરાજ્યપાલે મંજૂરી આપી નહોતી. જોકે દિલ્હી સિવાય મધ્યપ્રદેશ, તામિલનાડુ, છત્તીસગઢ અને ગોવા સહિતના રાજ્યોએ નિવેદન આપ્યુ છે કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન સંકટ સર્જાયુ હતુ પણ તેના કારણે કોઈના મોત થયા હોવાનુ નોંધાયુ નથી.

(7:45 pm IST)