મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

પતિ જીવિત હોવા છતાં ૨૧ મહિલાને વિધવા બનાવી દીધી

યુપી સરકારની વધુ એક લાભકારી યોજનામાં કૌભાંડ : પરિવારના કમાઉ મુખિયાનું કસમયે મોત થાય તો તેની પત્નીને ૩૦,૦૦૦ રૂપિયાની સરકારી સહાયતા મળે છે

લખનૌ, તા.૨૧ : ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલોની સાંઠગાંઠે ઉત્તર પ્રદેશ સરકારની વધુ એક લાભકારી યોજનામાં કૌભાંડ કર્યું છે. વખતે ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલોએ રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજનામાંથી સરકારી ધન હડપી લીધું છે. ૩૦ હજાર રૂપિયા માટે ૨૧ મહિલાઓને વિધવા બનાવી દીધી છે, જ્યારે હકીકતમાં તેમના પતિ જીવીત છે.

ઉત્તર પ્રદેશ સરકારે રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજનાની રૂઆત કરી છે. યોજનામાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારના કમાઉ મુખિયાનું ૬૦ વર્ષની ઉંમર પહેલા કસમયે મોત થાય તો તેની પત્નીને ૩૦,૦૦૦ રૂપિયાની સહાયતા રાશિ મળે છે. ભ્રષ્ટ અફસરો અને દલાલોએ ગરીબ વિધવા મહિલાઓને મળતી ૩૦,૦૦૦ રૂપિયાની રકમ હડપ કરી લીધી છે.

જાણવા મળ્યા મુજબ લખનૌના સરોજની નગર ખાતે આવેલા બંથરા અને ચંદ્રાવલ ગામમાં ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના વર્ષમાં કુલ ૮૮ લોકોને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, લાભ મેળવનારી મહિલાઓમાંથી ૨૧ મહિલાઓ એવી હતી જેમનો પતિ જીવીત છે અને મહિલાઓએ ખોટી રીતે સહાય મેળવી.

છેતરપિંડીમાં દલાલ અને ભ્રષ્ટ અધિકારીઓનું કમિશન બંધાયેલું હતું. લાભાર્થી મહિલાઓને ૩૦,૦૦૦માંથી ૧૦-૧૫ હજાર રૂપિયા મળતા હતા અને બાકીની રકમ દલાલ અને અધિકારીઓ વહેંચી લેતા હતા.

જોકે કોઈ પહેલી ઘટના નથી. અગાઉ ગોરખપુર, બલરામપુર, ચિત્રકૂટ, કાનપુર સહિત અનેક જિલ્લાઓમાંથી આવા કૌભાંડ સામે આવ્યા છે અને વિભાગીય કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

(7:49 pm IST)