મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

પત્રકાર દાનિશ સિદ્દીકીને લઈને તાલિબાનનું પ્રથમવખત નિવેદન:કહ્યું- અમે નથી માર્યો. તે દુશ્મન સેના સાથે હતો

જો કોઈ પત્રકારે અહીં આવવું છે તો તે અમારા સાથે વાત કરવી જોઈએ

અફઘાનિસ્તાન પર કબજો જમાવવા માટે યુદ્ધ કરી રહેલા તાલિબાને પોતાની છબિ બચાવવા માટે હવે ભારતના પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યાથી પોતાનો બચાવ કરી રહ્યું છે. સ્પિન બોલ્દક ખાતે તાલિબાન હુમલામાં દાનિશનું મોત થયું હતું. તેઓ તે યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં મીડિયા કવરેજ માટે ગયા હતા પરંતુ તાલિબાનના હુમલાનો શિકાર બન્યા હતા. દાનિશની આ પ્રકારની હત્યાને લઈ તાલિબાનની ખૂબ ટીકા થઈ રહી છે. આ મામલે ચારે બાજુથી ઘેરાયેલું તાલિબાન હવે હત્યામાં પોતાનો રોલ હોવાનો જ ઈનકાર કરવા પ્રયત્ન કરી રહ્યું છે. સાથે જ બેશરમીપૂર્વક એવો તર્ક આપી રહ્યું છે કે, જો દાનિશે ત્યાં કવરેજ માટે આવવું હતું તો પહેલા તાલિબાનની મંજૂરી લેવી જોઈતી હતી.

અગાઉ અફઘાની સેનાના કમાન્ડર બિલાલ અહમદે તાલિબાનીઓએ કઈ હદે દાનિશના મૃતદેહ સાથે બર્બરતા આચરી હતી તેમ જણાવ્યું હતું. અફઘાન કમાન્ડરે તેના પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, દાનિશ ભારતીય હતા અને તાલિબાની ભારતને નફરત કરે છે.

તાલિબાનના પ્રવક્તા અને કમાન્ડર મૌલાના યૂસુફ અહમદીએ કંધાર ખાતે એક ઈન્ટરવ્યુમાં અફઘાનિસ્તાનનો આશરે 85 ટકા હિસ્સો તેમના નિયંત્રણમાં આવી ગયો હોવાની માહિતી આપી હતી. સાથે જ બાકીના 15 ટકા વિસ્તાર પર ટૂંક સમયમાં જ નિયંત્રણ મેળવી લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. કમાન્ડરે આઈએસઆઈનું કોઈ સમર્થન ન હોવાની અને તેઓ પોતાના બળે જ લડી રહ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી.

દાનિશ સિદ્દીકીની હત્યા અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, દાનિશને અમે નથી માર્યો. તે દુશ્મન સેના સાથે હતો અને જો કોઈ પત્રકારે અહીં આવવું છે તો તે અમારા સાથે વાત કરવી જોઈએ. અમે પહેલેથી જ દેશમાં પત્રકારોના સંપર્કમાં છીએ.

(12:32 am IST)