મુખ્ય સમાચાર
News of Tuesday, 21st September 2021

જીએસટી લાગુ થયો ત્યારથી આ નિયમમાં સુધારો કરવામાં આવ્યો

વધારાની લીધેલી ક્રેડિટ પર હવે ૨૪ને બદલે ૧૮ ટકા વ્યાજની વસૂલાત થશે

નવી દિલ્હી,તા. ૨૧: જીએસટીમાં વેપારીએ લેવાની થતી આઇટીસી (ઈનપુટ ટેકસ ક્રેડિટ) કરતાં વધુ આઈટીસી લીધી હોય તેવા કિસ્સામાં ર૪ ટકા વ્યાજ વસૂલાત કરવામાં આવતું હતું. જયારે તેમાં સુધારો કરીને હવેથી ૧૮ ટકા જ વ્યાજ વસૂલ કરવાની જાહેરાત જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી છે, પરંતુ જે વેપારીએ વ્યાજ સાથેની રકમ ભરપાઈ કરી દીધી હોય તેઓને પરત રકમ આપવાની જોગવાઇ હજુ સુધી કરવામાં આવી નથી.

૧ જુલાઇ ૨૦૧૭થી જીએસટીનો અમલ કરવામાં આવ્યા બાદ વેપારી દ્વારા જીએસટીઆર રએમાં દેખાય તેના કરતા ૨૦ ટકા ક્રેડિટ વધુ વાપરી શકતા હતા. ત્યારબાદ તબક્કાવાર સુધારો કરીને હાલમાં જીએસટીઆર રએમાં જેટલી ક્રેડિટ દેખાય તેટલી જ વાપરી શકે તેવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેમજ વધારાની ક્રેડિટ લીધી હોય તેવા કિસ્સામાં નોટિસ આપવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. જોકે અત્યાર સુધી એટલે કે ચાલુ નાણાકીય વર્ષથી જ તેનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેથી વેપારીઓએ નિયમો કરતાં વધુ વપરાશ કરેલી ક્રેડિટના ર૪ ટકા વ્યાજ પેટે વસૂલ કરવામાં આવતા હતા. જયારે તેમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં સુધારો કરીને ૧૮ ટકા જ વ્યાજ વસૂલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેના લીધે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે. (૨૨.૬)

સામેથી ક્રેડિટ પરત કરનાર પાસે વ્યાજ નહીં વસૂલાય

વધુ ક્રેડિટ લીધાની જાણ થયા બાદ જે વેપારી દ્વારા સામેથી ક્રેડિટ પરત કરવામાં આવે તેવા કિસ્સામાં પણ પહેલા વ્યાજની વસુલાત કરવામાં આવતી હતી. જયારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેમાં પણ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી વેપારીએ ભૂલમાં વધુ ક્રેડિટ લીધી હોવાની જાણ થયા બાદ તે ક્રેડિટ સામેથી રિવર્સ કરી દે તો તે વેપારીને એક પણ રૂપિયાનુ વ્યાજ ભરવાનું રહેશે નહીં

- પાવન શાહ, ટેકસ કન્સલટન્ટ

(10:17 am IST)