મુખ્ય સમાચાર
News of Tuesday, 21st September 2021

પ્રાઈસ બેન્ડ ૧૬૫-૧૭૫ રૂપિયા પ્રતિ શેર છે

IPO ખુલ્યા પહેલા જ ગ્રે માર્કેટમાં પારસ ડિફેન્સની ધૂમ

નવી દિલ્હી,તા.૨૧: પારસ ડિફેન્સનો ૧૭૦.૭૭ કરોડ રૂપિયાનો આઈપીઓ     આજે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ ઈસ્યુ ૨૩ સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. તેના માટે પ્રાઈસ બેન્ડ ૧૬૫-૧૭૫ રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. પરંતુ ઓપનિંગ પહેલા જ કંપનીના શેર ગ્રે માર્કેટમાં ૨૧૦ રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. તેનાથી ખ્યાલ આવે છે કે તેમાં રોકાણકારોને તગડા નફાની સંભાવના દેખાઈ રહી છે.

પરંતુ શા માટે રોકાણકારોને તેમાં નફો દેખાઈ રહ્યો છે તે અંગે જાણકારોનું કહેવું છે કે ઈસ્યુની સાઈઝ નાની છે છતાં યોગ્ય વેલ્યુએશન અને ડિફેન્સ સેકટર પર ફોકસથી આ આઈપીઓને લઈને રોકાણકારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ઓપનિંગ ડેટ પહેલા જ ગ્રેમ માર્કેટ પ્રીમિયમમાં વધારે તેજી જોવા મળી શકે છે.

શનિવારે ગ્રે માર્કેટમાં પારસ ડિફેન્સના શેરનું પ્રીમિયમ ૨૧૦ રૂપિયા પહોંચી ગયું હતું એટલે કે ગ્રે માર્કેટમાં આ શેરના ૩૮૫ રૂપિયા પર લિસ્ટ થવાની આશા રાખવામાં આવી રહી છે. જે તેના ઈસ્યુ પ્રાઈઝથી ૧૨૦ ટકા વધારે છે. જોકે, જાણકારોનું કહેવું છે કે રોકાણકારોએ ફકત ગ્રે માર્કેટ પ્રીમિયમના આધારે રૂપિયા લગાવવા જોઈએ નહીં પરંતુ કંપનીની નાણાકિય સ્થિતિ પણ જોવી જોઈએ.

પ્રમોટર્સે આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ ૧૬૫-૧૭૫ રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. શેરની ફેસ વેલ્યુ ૧૦ રૂપિયા છે. આ અંતર્ગત ૧૪૦.૬ કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે અને ૩૦.૧૭ કરોડ રૂપિયાના ૧૭.૨૪ લાખ ઈકિવટી શેર ઓફર ફોર સેલ અંતર્ગત ઈસ્યુ કરવામાં આવશે. ડિફેન્સ સેકટરમાં હજી સુધી કોઈ ભારતીય કંપની માર્કેટમાં લિસ્ટેડ નથી. એટલે કે પારસ ડિફેન્સ લિસ્ટ થનારી આ સેકટરની પ્રથમ કંપની હશે. 

(10:17 am IST)