મુખ્ય સમાચાર
News of Tuesday, 21st September 2021

સપાના નેતા વીડિયોને લીધે મહંતને બ્લેકમેઈલ કરતા હતા

અખાડા પરિષદના મહંત નરેન્દ્રગિરિના મોતનો કેસ : મહંતે જીવન ટૂંકાવ્યું એ ઓરડામાંથી સાત પાનાની એક સ્યુસાઈડ નોટ મળી, જેમાં શિષ્યો પર ઘણાં આરોપ મૂક્યા

પ્રયાગરાજ, તા.૨૧ : પ્રયાગરાજ સ્થિત મઠ બાધંબરી ગાદીના મહંત અને અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનો મૃતદેહ સોમવારના રોજ તેમના બેડરુમમાં પંખાથી લટકતો મળ્યો હતો. પોલીસ પ્રાથમિક ધોરણે ઘટનાને આત્મહત્યા જણાવી રહી છે. આટલુ નહીં, ઓરડામાંથી સાત પાનાની એક સ્યુસાઈડ નોટ પણ મળ આવી છે,

જેમાં તેમણે શિષ્યો પર ઘણાં આરોપ મૂક્યા છે. કેસમાં સમાજવાદી પાર્ટીના એક પૂર્વ નેતાનું પણ નામ આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નરેન્દ્ર ગિરિને સમાજવાદી પાર્ટીના એક નેતા એક વીડિયોને કારણે બ્લેકમેલ કરી રહ્યા હતા. શક્ય છે કે કારણોસર તેમણે કંટાળીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હોય.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહંત નરેન્દ્ર ગિરિને બ્લેકમેલ કરવા માટે એક સીડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સીડીમાં એવુ તો શું હતું કે નરેન્દ્ર ગિરિને બ્લેકમેલ કરવામાં આવતા હતા તે હજી જાણવા નથી મળ્યું. આનંદ ગિરિની અટકાયત પછી તેમની પૂછપરછ કરવામાં આવી અને ત્યારપછી સમાજવાદી પાર્ટીના મંત્રીનું નામ સામે આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સમાજવાદી પાર્ટીની સરકારમાં હોદ્દેદાર મંત્રી અને નરેન્દ્ર ગિરિના શિષ્ય આનંદ ગિરિ નજીક હતા. આનંદના માધ્યમથી તેઓ નરેન્દ્ર ગિરિને મળવા આવતા હતા. તેમને ઘણીવાર મઠમાં જોવામાં આવતા હતા.

અત્યારે પોલીસ મંત્રીની કેસમાં શું ભૂમિકા છે તેની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ પહોંચેલા યોગી આદિત્યનાથે જણાવ્યું કે મહંત નરેન્દ્ર ગિરિના મૃત્યુના કેસમાં ઘણાં પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. ઘણાં વરિષ્ઠ અધિકારી એક સાથે મળીને કામ કરી રહ્યા છે. એક એક ઘટના સામે આવશે. તેમણે કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ કેસમાં બિનજરુરી નિવેદન આપવાનું ટાળે.

ઉત્તરપ્રદેશના કાયદા મંત્રી બ્રજેશ પાઠકે પણ જણાવ્યું કે અમે કેસને અત્યંત ઝીણવટથી ચકાસી રહ્યા છીએ. જો  સીબીઆઈ તપાસની જરુર પડશે તો તે પણ કરાવવામાં આવશે અને આરોપીઓને છોડવામાં નહીં આવે. મહંત નરેન્દ્ર ગિરિના અચાનક નિધનથી તેમના સમર્થકો અને શિષ્યોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં નરેન્દ્ર ગિરિનો તેમના શિષ્ય આનંદ ગિરિ સાથે વિવાદ થયો હતો. વાતચીતમાં આનંદે ગુરૂના મોતને ષડયંત્ર ગણાવ્યું હતું. શિષ્ય આનંદ ગિરિએ દાવો કરતા કહ્યું કે, નરેન્દ્ર ગિરિનું મોત સામાન્ય નથી, કોઈ મોટુ કાવતરૂ રચવામાં આવ્યું છે.

(7:41 pm IST)