મુખ્ય સમાચાર
News of Wednesday, 21st September 2022

બ્લેક ટી, ગ્રીન ટીની ચુસ્કી મારો અને ડાયાબિટીઝનું જોખમ ઘટાડો

૧૦ વર્ષ સેવન કરવાથી જોખમમાં ૧૭ ટકા સુધીનો ઘટાડો : વુહાન યુનિ.ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ૮ દેશોના ૧૦ લાખ લોકો ઉપર સર્વે

ચેન્નાઇ,તા. ૨૧ : તમિલનાડુ સહિત દેશભરમાં ડાયાબિટીઝના વધી રહેલ જોખમ વચ્ચે એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે આ પીવાની ટેવમાં કરેલ એક મામુલી ફેરફાર આપણને અમુક હદ સુધી આ રોગથી બચાવી શકે છે.નવા અભ્યાસ અનુસાર, બ્લેક, ગ્રીન અથવા ઉલોંગ (પારંપરિક ચીની પીણું) ચાની ચાર વાર લીધેલ ચુસ્કી ટાઇપ-૨ ડાયાબિટીસના જોખમને ઘટાડી શકે છે.આ અભ્યાસ આઠ દેશોના દસ લાખથી વધારે વયસ્કો પર કરાયો છે. ચીનમાં વુહાન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મુખ્ય લેખક શિયાયીંગ લી એ કહ્યુ, અમારા પરિણામો ચોંકાવનારા છે કે જે સુચવે છે કે ટાઇપ-૨ ડાયાબીટીસથી બચવા માટે લોકો દિવસમાં ૪ કપ ચા પીવાની મહેનત તો કરી જ શકે છે.આ અભ્યાસ બહુ જલ્દી સ્વીડનમાં યુરોયિપન એસોસીએશન ફોર ધ સ્ટડીઝ ઓફ ડાયાબીટીસની વાર્ષિક બેઠકમાં રજુ કરવામાં આવશે. ભારતમાં ૭૭ મીલીયન લોકોને ડાયાબીટીસ છે, જે ૨૦૪૫ સુધીમાં વધીને ૧૩૪ મીલીયનથી વધારે થવાની શકયતા છે.

ચા ધરાવે છે ખાસ ગુણ

અન્ય અભ્યાસોમાં ચામાં રહેલા વિવિધ એન્ટી ઓકસીડેન્ટ, એન્ટી -ઇન્ફલેમેટરી અને એન્ટી-કાર્સીનોજીક તત્વોના કારણે નિયમીત રીતે ચા પીવી આરોગ્ય માટે ફાયદાકારક ગણાવાઇ છે. પણ તેના અને ડાયાબીટીઝના જોખમ વચ્ચેના સંબંધ આ પહેલીવાર જાણવા મળ્યો છે. દસ લાખ લોકો પર થયેલ આ અભ્યાસ જણાવે છે કે રોજનો ચા નો દરેક કપ ડાયાબીટીસના વિકાસનું જોખમ લગભગ એક ટકા જેટલુ ઘટાડે છે. ચા નહીં પીનારા વયસ્કોની સરખામણીમાં, જે લોકો રોજના ૧ થી ૩ કપ ચા પીવે છે તેમને ડાયાબીટીસનું જોખમ ૪ ટકા ઓછું હોય છે. જ્યારે રોજના ૪ કપ ચા પીનારાઓમાં આ જોખમ ૧૭ ટકા ઓછું જોવા મળ્યું.

(4:33 pm IST)