મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

શોપિયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ : બે આતંકવાદીઓ ઠાર: એક જવાન શહીદ : બે જવાન ઘાયલ

ઠાર કરાયેલ એક આતંકવાદી ઓળખ આદિલ વાની જુલાઈ 2020માં આતંકવાદી સંગઠનો સાથે જોડાયો હતો: આદિલ TRFનો જિલ્લા કમાન્ડર હતો : પુલવામા ખાતે ઉત્તર પ્રદેશના સહારનપુરના મૂળ નિવાસી પ્રવાસી મજૂરની હત્યા કરી હતી

 

શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં સતત સુરક્ષા દળોનું આતંકવાદીઓ  વિરૂદ્ધનું ઓપરેશન ચાલુ છે. શોપિયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ દરમિયાન જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર  માર્યા હતા. જો કે આ એન્કાઉન્ટરમાં 3 જવાન પણ ઘાયલ થયા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જવાન શહીદ થયો છે.

શોપિયા એન્કાઉન્ટરમાં જે 2 આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાંથી એક આતંકવાદીની ઓળખ આદિલ વાની તરીકે સામે આવી છે. તે જુલાઈ 2020માં આતંકવાદી સંગઠનો સાથે જોડાયો હતો. તેણે પુલવામા ખાતે ઉત્તર પ્રદેશના સહારનપુરના મૂળ નિવાસી પ્રવાસી મજૂરની હત્યા કરી હતી.

આદિલ TRFનો જિલ્લા કમાન્ડર હતો. કુલગામમાં પણ મોડી સાંજે બે આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 15 દિવસમાં આતંકવાદીઓ વિરૂદ્ધ 10 જેટલી અથડામણો થઈ છે. આ એન્કાઉન્ટર્સમાં અત્યાર સુધીમાં 17 આતંકવાદીઓ માર્યા ગયા છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા અને ગેર કાશ્મીરીઓને જે રીતે નિશાન બનાવાઇ રહ્યાં છે, તે જોતા ભારત સરકાર એક્શનમાં આવી છે. કાશ્મીરની સ્થિતિ પર આજે વડાપ્રધાન મોદી અને અમિત શાહે બેઠક કરી  હતી. જેમાં કાશ્મીરની સ્થિતિ પર વિગતે ચર્ચા થઇ તો આર્મી ચીફ નરવણે પણ કાશ્મીરની મુલાકાતે છે. સેના પહેલાથી જ ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી છે

(11:56 pm IST)