મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

મુંબઇમાં ‘સેક્‍સ ટૂરિઝમ' રેકેટનો પર્દાફાશ

બે મહિલાની ધરપકડ

મુંબઈ,તા.૨૧: મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્‍ચે બુધવારે એરપોર્ટ પર ‘સેક્‍સ ટૂરિઝમ'રેકેટનો પર્દાફાશ કરીને બે મહિલા એજન્‍ટની ધરપકડ કરી હતી, જયારે બે યુવતીનો છુટકારો કરાવ્‍યો હતો. છોડાવાયેલી બંને યુવતીને બોગસ ગ્રાહક સાથે ગોવા મોકલવામાં આવી રહી હતી. ક્રાઇમ બ્રાન્‍ચ યુનિટ-૭ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મંગળવારે આ કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્‍ચે ગયા વર્ષે એક મહિલાનો છુટકારો કરાવ્‍યો હતો, જેને દેહવ્‍યાપારમાં ધકેલવામાં આવી હતી. આ મહિલાએ દેશના ફરવાના સ્‍થળો પર સેક્‍સ ટૂરિઝમ બિઝનેસ શરૂ કર્યો હોઇ તેમાં તેના ભાગીદારો પણ છે, એવી માહિતી પોલીસને મળી હતી. મહિલાની મોડસ ઓપરેન્‍ડી એવી હતી કે તે કોઇ પણ પર્યટન સ્‍થળ પર બે દિવસ માટે ક્‍લાયન્‍ટને યુવતી પૂરી પાડતી હતી. ક્‍લાયન્‍ટ સાથે સોદો નક્કી થયા બાદ મહિલા તેને પર્યટન સ્‍થળનું વિકલ્‍પ આપતી હતી. ગ્રાહકોમાં ગોવા લોકપ્રિય પર્યટન સ્‍થળ છે. આરોપી મહિલા યુવતીઓના ફોટા ગ્રાહકોને મોકલતી હતી, જેમાંથી એક યુવતીને પસંદ કરવાની હોય. બાદમાં ગ્રાહક બંનેની એરટિકિટ બૂક કરતો હતો.
મહિલા બે દિવસના રૂ. ૫૦ હજાર લેતી હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. દરમિયાન સેક્‍સ ટૂરિઝમ રેકેટ વિશે માહિતી મળ્‍યા બાદ ક્રાઇમ બ્રાન્‍ચે બોગસ ગ્રાહક તૈયાર કરીને આરોપી મહિલાનો સંપર્ક સાધ્‍યો હતો. બાદમાં બે યુવતી સાથે ગોવા જવાનું નક્કી થયું હતું. પોલીસે ત્‍યાર બાદ મુંબઈ એરપોર્ટ પર છટકું ગોઠવ્‍યું હતું અને બે યુવતી સાથે આવેલી મહિલાને તાબામાં લીધી હતી.  

 

(10:27 am IST)