મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘુ થવાના એંધાણ :ઇરાકના મંત્રીના નિવેદન બાદ ક્રૂડની કિંમતોમાં ભારે ઉછાળો

ઇરાકના તેલ મંત્રી એહસાન અબ્દુલ જબ્બરિએ કહ્યું- બ્રેન્ટનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર જઈ શકે: બ્રેન્ટનો ભાવ છેલ્લા એક વર્ષમાં બમણો થઇ ગયો

નવી દિલ્હી ;  પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી જનતા ત્રસ્ત થઇ ગઈ છે. જનતા સરકાર પાસે આશા રાખીને બેઠી છે. પરંતુ આ આશા પુરી થશે તેની સંભાવનાઓ ઘણી ઓછી છે. કારણ કે તેલ ઉત્પાદક દેશ OPECએ એવા સંકેત આપ્યા છે કે જેનાથી આવનાર સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ આગ લાગી શકે છે.

હાલ ભારતમાં પેટ્રોલના ભાવ 118.59 રૂપિયા લીટર પહોંચી ગયું છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ આ ભાવે 21 ઓક્ટોબરથી મળી રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ 106.54 રૂપિયા મળી રહ્યું છે અને મુંબઈમાં 112.44 રૂપિયા લીટર મળી રહ્યું છે. તો મુંબઈમાં ડીઝલ 103.26 રૂપિયા પ્રતિલિટર વેચાઈ રહ્યું છે જયારે દિલ્હીમાં ડીઝલના ભાવ 95.27 રૂપિયા છે.

કાચા તેલની કિંમત ભારે ઉછાળો જોવા મળ્યો છે. કાચું તેલ (બ્રેન્ટ) 86 ડોલર પ્રતિ બેરલથી આગળ નીકળી ગયો છે. ઇરાકના તેલ મંત્રી એહસાન અબ્દુલ જબ્બરિએ કહ્યું છે કે બ્રેન્ટનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર જઈ શકે છે. બ્રેન્ટનો ભાવ છેલ્લા એક વર્ષમાં બમણો થઇ ગયો છે.

ઇરાકના તેલ મંત્રીના નિવેદન બાદ ક્રૂડની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. તો, ઓપેકનું કહેવું છે કે ઉત્પાદન વધારવાનો કોઈ વિચાર નથી. એટલું જ નહીં ઠંડી વધવાની સાથે સાથે ક્રૂડની મંગમાં પણ વધારો થશે. પરંતુ, OPEC દેશ ડિસેમ્બર સુધી તેલ ઉત્પાદન વધારવાના પક્ષમાં નથી. 7 વર્ષની ઊંચાઈ પર ક્રૂડના ભાવ આવી ગયા છે

(6:57 pm IST)