મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

મુસ્લિમ યુવતી સાથે નિકાહ કરનાર યુવક સામે ફરિયાદ

યુપીથી સતત ધર્માંતરણના નવા નવા કેસ સામે આવ્યા : પપ્પુ સૈનીએ ફરિયાદમાં કોઈએ પોતાના દીકરા વિવેક સૈનીનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો

બાંદા, તા.૨૧ : ઉત્તર પ્રદેશ ખાતેથી સતત ધર્માંતરણના નવા નવા કેસ સામે આવી રહ્યા છે. યુપી એટીએસ દ્વારા થોડા દિવસ પહેલા જ રાજ્યમાંથી ધર્માંતરણના એક વિશાળ રેકેટનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્યના બાંદા જિલ્લામાંથી ધર્મ પરિવર્તનનો કેસ સામે આવ્યો છે. શહેરના હિંદુ પરિવારના એક યુવકે ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ કબૂલ કરી લીધો છે અને હવે તેણે એક મુસ્લિમ યુવતી સાથે નિકાહ પણ પઢી લીધા છે. હાલ યુવકના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ત્યાર બાદ આ કેસ સામે આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ પપ્પુ સૈની નામના એક વ્યક્તિએ પોલીસ ફરિયાદમાં કોઈએ પોતાના દીકરા વિવેક સૈનીનું સમજાવી-ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે તેમના દીકરાએ ઈસ્લામ કબૂલ કરી લીધો છે અને તેની મુસ્લિમ યુવતી સાથે શાદી કરાવી દેવાઈ છે. આ સાથે જ તેમણે પોતાના દીકરાનું નામ હવે મોહમ્મદ રાજૂ રાખવામાં આવ્યું હોવાની માહિતી પણ આપી હતી. જાણવા મળ્યા મુજબ શહેરના સની જલાલપુર ખાતે લગભગ એક ડઝન પરિવારના લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધેલો છે. ત્યાં એક મદરેસા આવેલી છે જ્યાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. એટલું જ નહીં ગામના અનેક લોકોએ ઈસ્લામ કબૂલી લીધો છે ત્યારે એક વ્યક્તિ પર ઈસ્લામ અપનાવવા માટે દબાણ બનાવાઈ રહ્યું છે.

હાલ આ મામલે હિંદુ સંગઠનો ધર્માંતરણ વિરૂદ્ધ ઉભા થયા છે. વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ બેદીજીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ તરફ ઈસ્લામ અપનાવવા માટે દબાણ કરનારા મૌલવીની લાલપુર છનેરા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસ સામે આવ્યા બાદ વિશ્વ હિંદુ પરિષદની ટીમ દળ, બળ અન પોલીસ પ્રશાસન સાથે ગામમાં પહોંચી હતી. ત્યાં એક હિંદુ પરિવારે ૧૦ વર્ષ પહેલા મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો અને ગામના અનેક ડઝન લોકો ઈસ્લામ કબૂલ કરી ચુક્યા છે.

પલાની તહસીલ ખાતે એક ડોક્ટર મોતીલાલે પણ ધર્મ પરિવર્તન કરી લીધું છે. હાલ તે દિલ્હીના ઓખલા વિસ્તારમાં મુસ્લિમ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કામ કરે છે.

ડોક્ટરે ધર્મ પરિવર્તન માટે દેહાત કોતવાલી રોડ ખાતે એક સેન્ટર બનાવ્યું છે જ્યાં લોકોને કુરાન અંગે જાણકારી આપવામાં આવે છે. એટલું જ નહીં, મુસ્લિમ ધર્મ અપનાવવા માટે લાલચ પણ આપવામાં આવે છે.

(7:20 pm IST)