મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

કોંગ્રેસ પાર્ટીના નવા નારા પર ભાજપના નેતાનો ઉગ્ર કટાક્ષ

કોંગ્રેસનો યુપી ચૂંટણીમાં નવો નારો છોકરી છું, લડી શકું છું : ચૂંટણીમાં ૪૦ ટકા મહિલાઓને ટિકિટના કોંગ્રેસના નિર્ણયની એક તરફ પ્રશંસા તો બીજી તરફ ટિકાનો મારો

નવી દિલ્હી, તા.૨૧ : કોંગ્રેસે ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી માટે ૪૦ ટકા ટિકિટ મહિલાઓને ફાળવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખનૌ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી. આ દરમિયાન પાર્ટીનો નવો નારો 'છોકરી છું, લડી શકું છું' પણ જાહેર કરવામાં આવ્યો હતો. એક વર્ગ દ્વારા કોંગ્રેસના આ નિર્ણયની પ્રશંસા કરવામાં આવી રહી છે ત્યારે એક વર્ગ તેની ટીકા કરી રહ્યો છે.

ફિલ્મ મેકર અશોક પંડિતે કોંગ્રેસની આ જાહેરાતની ટીખળ કરી હતી.

તેમણે પ્રિયંકા ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, મેડમ આ વાતને તો સ્મૃતિ ઈરાનીએ ક્યારની અમેઠીમાં સાબિત કરી બતાવી છે. તમારા ભાઈ સાહેબ રાહુલ ગાંધીને પુછી લો. અશોક પંડિતનો ઈશારો કોંગ્રેસના છોકરી છું, લડી શકું છું નારા તરફ હતો.

અન્ય એક ટ્વિટમાં પંડિતે લખ્યું હતું કે, 'કોંગ્રેસ એટલે છળ. સોનિયા ગાંધી મહિલાઓને સંસદમાં ૩૩ ટકા અનામત નહોતા અપાવી શક્યા. હવે પ્રિયંકા ગાંધી યુપીમાં મહિલાઓને ૪૦ ટકા ટિકિટ આપવાનું વચન આપી રહી છે. જે હરીશ રાવત ઉત્તરાખંડમાં પોતાની સત્તા ન બચાવી શક્યા તે પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહને ભટકી ગયેલો માણસ કહી રહ્યા છે.'

(7:21 pm IST)