મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

દુર્ગા પૂજાના પંડાલમાં કુરાન મૂકનારની ઓળખ કરાઈ

બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા વેળા હિંદુઓ પર હુમલા થયા હતા : ઈકબાલ હુસેને સામાજિક સદભાવનાનું વાતાવરણ બગાડવા માટે કુરાનની પ્રતને પંડાળમાં મુકી હતી

ઢાકા, તા.૨૧ : બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુઓ પર હુમલા થયા હતા અને મંદિરો તેમજ પંડાળોમાં તોડફોડ કરાઈ હતી. આ હિંસામાં સાત લોકોના મોત થયા હતા.

હિંસા ફાટી નિકળવાનુ કારણ એ હતુ કે, દુર્ગા પૂજા પંડાળમાં કુરાન મુકવામાં આવ્યુ હતુ. આ કુરાન મુકનારા વ્યક્તિની પોલીસે ઓળખ કરી લીધી છે અને તેનુ નામ ઈકબાલ હુસેન છે. તેણે સામાજીક સદભાવનાનું વાતાવરણ બગાડવા માટે કુરાનની પ્રતને પંડાળમાં મુકી હતી અને તેનો ઈરાદો સફળ થયો હતો.

બાંગ્લાદેશના અખબારના અહેવાલ મુજબ ઈકબાલ હુસેન હજી પણ ફરાર છે. બાંગ્લાદેશ પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસનુ કહેવુ છે કે, ૧૩ ઓક્ટોબરે તેણે કુરાનની પ્રત દુર્ગા પૂજા પંડાળમાં મુકી હતી. પોલીસે સીસીટીવી કેમેરા થકી તેની ઓળખ કરી છે. ઈકબાલ રખડુ પ્રકારનો વ્યક્તિ છે તેવુ પોલીસનુ કહેવુ છે.

કમિલા જિલ્લામાં હિન્દુઓ પર થયેલી હિંસાના મામલામાં ૪૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ચાર ઈકબાલ સાથે સંકળાયેલા છે. આખા દેશમાંથી અત્યાર સુધીમાં કુલ ૪૫૦ લોકોની ધરપકડ કરાઈ છે અને કુલ ૭૨ કેસ નોંધવામાં આવ્યા છે. આ હિંસા દરમિયાન હિન્દુઓના હજારો ઘરો અને મકાનોને લૂંટી લેવામાં આવ્યા હતા.

 

(8:52 pm IST)