મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

ટ્રેકટર માર્ચ દિલ્હીના આઉટર રિંગ રોડ ઉપર કાઢવા મક્કમ

ખેડૂતોને સમજાવવામાં પોલીસ પણ નિષ્ફળ : ખેડૂત સંગઠનો, દિલ્હી, હરિયાણા, યુપી પોલીસ વચ્ચે આજે બેઠકમાં રેલી મુદ્દે મડાગાંઠ યથાવત, પોલીસે વિકલ્પ આપ્યા

નવી દિલ્હી, તા. ૨૧ : નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ જ છે. અનેક વખત સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે મંત્રણા થવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી. આવામાં ખેડૂતોએ આગામી ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. તેઓ પોતાના નિર્ણય અંગે અડગ છે. આવામાં ખેડૂત સંગઠનો, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસ વચ્ચે આજે બેઠક થઇ હતી.

બેઠકમાં ટ્રેક્ટર રેલી અંગે ચર્ચા થઇ હતી. જ્યારે ખેડૂતોએ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેઓ દિલ્હીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર માર્ચ કાઢશે. જ્યારે દિલ્હી પોલીસે ખેડૂતોને કેએમપી હાઇવેનો વિકલ્પ આપ્યો. દિલ્હી પોલીસનું કહેવું હતું કે, પ્રજાસત્તાક દિને આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર રેલીને પરવાનગી નહીં આપી શકે.

બીજી બાજુ,  ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠના મુદ્દે બુધવારે ૧૦મા તબક્કાની મેરેથોન મંત્રણામાં પણ કોઈ નક્કર ઉકેલ લાવી શકાયો ન હતો. દિલ્હીમાં અડિંગો જમાવનારા આંદોલનકારી ખેડૂત સંગઠનોના નેતાઓ સાથેની બેઠકમાં સરકાર દ્વારા કૃષિ કાયદાઓ પરનો ગુંચવાડો દૂર કરવા તેને દોઢ વર્ષ સુધી તડકે મુકવાનો એટલે કે ટાળવાની સાથે ખેડૂત સંગઠનો અને સરકારના પ્રતિનિધિઓની એક જોઈન્ટ કમિટિ રચવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ખેડૂત નેતાઓએ કહ્યુ આગામી બેઠક ૨૨મી જાન્યુઆરીની નક્કી કરવામાં આવી છે. ગુરુવારે ખેડૂત સંગઠનો પોતાની આંતરિક બેઠક કરનાર છે. ભારતીય કિસાન યૂનિયન (ઉગરાહાં)ના પ્રમુખ જોગિંદર સિંહ ઉગરાહાએ કહ્યુ સરકારે કૃષિ કાયદાઓને દોઢ વર્ષના માટે સસ્પેન્ડ રાખવાનો પ્રસ્તાવ મુક્યો છે. આમ તો અમે તેને ફગાવી દીધો છે, પરંતુ સરકારનો પ્રસ્તાવ હોઈ ગુરુવારે તમામ સંગઠનો એકસાથે બેસીને તેના પર મંથન કરીશું, ત્યારબાદ સરકાર સમક્ષ અમારો મત રજૂ કરીશું.

(12:00 am IST)