મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાં ઠંડી માઇનસ ૯.૩

હાડ થીજાવતી ઠંડીને કારણે કાશ્મીરમાં અનેક જળાશયો થીજી ગયા હતા : કાશ્મીર હાલ ૪૦ દિવસ ચાલતા શિયાળાના સૌથી ખરાબ સમયગાળા 'ચિલ્લઇ કલાન'નો સામનો કરી રહ્યું છે

શ્રીનગર તા. ૨૨ : વાર્ષિક અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ અને સહેલાણીઓના માનીતા પહેલગામમાં ગુરુવારે લઘુતમ તાપમાન માઈનસ ૯.૩ ડિગ્રી જેટલું રહ્યું હોવાનું હવામાન ખાતાના અધિકારીઓેએ જણાવ્યું હતું.

જોકે, અગાઉની રાત્રિએ નોંધાયેલા માઈનસ ૮.૩ ડિગ્રી તાપમાનની સરખામણીએ બુધવારે તેમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો અને તાપમાન ૯.૩ ડિગ્રી રહ્યું હતું.

શ્રીનગર શહેરમાં અગાઉની રાત્રિના માઈનસ સાત ડિગ્રીની સરખામણીએ માઈનસ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સ્કીઇંગ રિસોર્ટ ગણાતા ગુલમર્ગમાં અગાઉની રાત્રિના માઈનસ ૬.૫ ડિગ્રીની સરખામણીએ ગુરુવારે ૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

કાશ્મીર ખીણ પ્રદેશનો પ્રવેશદ્વાર ગણાતા કાઝીગંજમાં લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી રહ્યું હતું. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં માઈનસ ૫.૯ તો કોકેરનાગમાં માઈનસ ૬.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાડ થીજાવતી ઠંડીને કારણે કાશ્મીરમાં અનેક જળાશયો થીજી ગયાં હતાં.

રસ્તા પર બરફના જાડા થર પથરાઈ ગયા હોવાને કારણે વાહન ચલાવવાનું મુશ્કેલ બન્યું હતું.

કાશ્મીર હાલ ૪૦ દિવસ ચાલતા શિયાળાના સૌથી ખરાબ સમયગાળા 'ચિલ્લઈ કલાન'નો સામનો કરી રહ્યું છે. ૨૧ ડિસેમ્બરે શરૂ થયેલો 'ચિલ્લઈ કલાન'નો સમયગાળો ૩૧મી જાન્યુઆરીએ પૂરો થશે. ત્યાર બાદ પણ કાશ્મીરમાં ૨૦ દિવસ 'ચિલ્લઈ ખુર્દ'(સ્મોલ કોલ્ટ) અને ૧૦ દિવસના 'ચિલ્લઈ બચ્ચા'(બેબી કોલ્ડ)ના સમયગાળામાં શીતલહેર ચાલુ રહેશે.

(10:01 am IST)