મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

યુક્રેનના ખાનગી નર્સિંગ હોમમાં લાગી ભીષણ આગ : ૧૫ લોકો જીવતા ભડથું

મોસ્કો તા. ૨૨ : યુક્રેનના શહેર ખારકિવમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી ૧૫ લોકોના કરૂણ મોત નિપજયા છે. અને ૧૧ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ મામલાની જાણકારી આપી હતી. બે માળની ઈમારતમાં શા કારણે આગ લાગી હતી તેની તપાસ ચાલી રહી છે. એક ખાનગી એજન્સી દ્વારા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે નર્સિંગ હોમના માલિક અને કર્મચારીઓની પૂછપરછ થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ બીજા ફલોર પર લાગી હતી. આ મામલે જણાવવામાં આવી રહ્યું છે કે આગ જયારે લાગી તે સમયે ઈમારતમાં અંદાજીત ૩૩ લોકો હાજર હતા. જેનો એક ફોટોગ્રાફ પણ સામે આવ્યો છે. જેમાં બીજા ફલોરમાંથી ધુમાડો નિકળી રહ્યો દેખાઈ રહ્યો છે અને ફાયરબ્રિગેડના જવાનો આ આગને નિયંત્રણમાં લેવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગોઝારી ઘટનામાં ૧૫ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. સરકારે સમગ્ર મામાલાની તપાસના આદેશ આપ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિર જેલેંસ્કીએ આંતરિક મુદ્દાઓના મંત્રીને આ સમગ્ર મામલાની તપાસના નિર્દેશ આપ્યા છે. યુક્રેનના પ્રોસિકયુટરે કહ્યું છે કે અધિકારીઓએ અપરાધિક તપાસ પણ શરૂ કરી દીધી છે અને પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે હીટિંગને યોગ્ય રીતે ચલાવવામાં બેદરકારીને કારણે આ આગ લાગી હતી.

(10:01 am IST)