મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

૧૧ કરોડ ૫૦ લાખ ખેડૂતો યોજનાનો લાભ લ્યે છે

પીએમ મોદી કિસાન સમ્માન નીતિ ૬૦૦૦થી વધારી ૯૦૦૦ કરવા વિચારે છે : ૨૦૦૦ને બદલે ૩૦૦૦ મળશે

નવી દિલ્હી તા. ૨૨ : કિસાન આંદોલન વચ્ચે દેશભરના અન્નદાતાઓને બજેટ ૨૦૨૧-૨૨માં એક આશા છે. ખેડૂતોને લાગે છે કે આ વખતે મોદી સરકાર પીએમ કિસાન સમ્માન નિધીની રકમ વધારશે. તેમને આશા છે કે આ બજેટમાં તેમને દર ૪ મહિને મળતી ૨૦૦૦ રૂપિયાની રકમ વધીને ૩૦૦૦ રૂપિયા થઇ જશે. એટલે કે વાર્ષિક રીતે મળતી ૬૦૦૦ રૂપિયાની રકમ ૯૦૦૦ થશે. અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ ૧૧.૫૦ કરોડ ખેડૂતો લઇ રહ્યા છે.

એક ફેબ્રુઆરીએ રજૂ થનાર સામાન્ય બજેટમાં મોદી સરકાર શું આ રકમમાં વધારો કરશે ? એ સવાલ લાખો ખેડૂતોના મનમાં છે. કુશીનગરના મથૌલી બજાર ગામમાં પોતાના ખેતરમાં ખાતર છાંટી રહેલ ખેડૂત રાધેશ્યામ કહે છે કે દર ચાર મહિને મળતી ૨૦૦૦ રૂપિયાની રકમથી ઘણી રાહત મળે છે પણ તે અપૂરતી છે. બની શકે કે આ વખતે બજેટમાં તે ૩૦૦૦ રૂપિયા થઇ જાય. તો અન્ય એક ખેડૂત વિરેન્દ્ર પાલ કહે છે કે ખાતર, બિયારણ અને સિંચાઇમાં પહેલા કરતા વધારે ખર્ચ થાય છે. જો મોદી સરકાર ખરેખર ખેડૂતોની આવક બમણી કરવા ઇચ્છતી હોય તો તેણે પીએમ કિસાન સમ્માન નીધિની રકમ પણ સન્માનજનક બનાવવી જોઇએ. પાલને પણ આશા છે કે આ રકમ સરકાર ચોક્કસ વધારશે.

નિષ્ણાંતોનું પણ કહેવું છે કે સરકારે કૃષિ ક્ષેત્રના સમગ્ર વિકાસ માટે આગામી બજેટમાં સ્વદેશી કૃષિ અનુસંધાન, તેલીબીયા ઉત્પાદન અને જૈવિક ખેતી માટે વધારાનું ભંડોળ અને પ્રોત્સાહન આપવું જોઇએ. ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતોએ કહ્યું કે પ્રત્યક્ષ નગદ હસ્તાંતરણ (ડીબીટી) યોજનાનો ઉપયોગ ખેડૂતોને સબસીડી આપવાના બદલે વધારે ને વધારે ટેકો આપવા માટે થવો જોઇએ.

(11:29 am IST)