મુખ્ય સમાચાર
News of Monday, 22nd February 2021

ટૂલકિટ કેસ: દિશા રવિને એક દિવસની પોલીસ કસ્ટડી: 23મીએ જામીન અરજી પર સુનાવણી

દિશા રવિ પર ‘ટૂલકિટ’ ષડયંત્ર કેસમાં કાવતરું અને રાજદ્રોહના આરોપ

નવી દિલ્હી : દિલ્હી પોલીસે સોમવારે ‘ટૂલકિટ’ કેસમાં પાંચ દિવસ માટે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની રિમાન્ડ માંગી હતી. પરંતુ પટિયાલા હાઉસ કોર્ટે પોલીસને માત્ર 1 દિવસની રિમાન્ડ આપી છે. દિશાની ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડી બાદ તેને કડક સુરક્ષા વચ્ચે પટિયાલા હાઉસ કોર્ટના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્મા સામે રજૂ કરવામાં આવ્યો હતો. થોડા સમય માટે નિર્ણય સુરક્ષિત કર્યા બાદ કોર્ટે દિશા રવિને 1 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી હતી.અત્રે  ઉલ્લેખનીય છે કે 23 ફેબ્રુઆરીએ દિશા રવિની જામીન અરજી પર નિર્ણય સંભાળાવવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે દિશા રવિ ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલ ‘ટૂલકિટ’ ષડયંત્ર કેસમાં કાવતરું અને રાજદ્રોહના આરોપનો સામનો કરી રહી છે અને 13 ફેબ્રુઆરીના રોજ તેની બેંગ્લુરુથી ધરપકડ કરવામાં આવી હતી. ગત સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટમાં જણાવ્યું હતુ કે સહ આરોપી શાંતનુ મુલુક સામે પૂછપરછ કરવા માટે 22 ફેબ્રુઆરીના રોજ તેની કસ્ટડીની જરૂર પડશે.

અગાઉ મુલુક અને એક અન્ય આરોપી નિકિતા જૈકબ આ કેસની તપાસમાં દ્વારકા સ્થિત દિલ્હી પોલીસના સાયબર સેલ કાર્યલયમાં હાજર થયા હતા. તેઓને ગત અઠવાડિયે તપાસમાં સામેલ થવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી

 

ખેડૂત આંદોલન સાથે સંકળાયેલી ટૂલકિટ ગ્રેટા થનબર્ગે પોતાના ટ્વીટર એકાઉન્ટથી શેર કરી હતી. જેના પર હોબાળો થયા બાદ તેણે ટ્વીટ ડિલીટ કરી દીધી. જો કે થોડીવાર બાદ તેણીએ એજ ડૉક્યુમેન્ટની એડિટેડ કોપી ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, પહેલાની ટૂલકિટ જૂની હતી. જેના કારણે તેને હટાવી લેવામાં આવી છે.

હવે દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો કે, ગ્રેટાએ દિશા રવિના આગ્રહ પર પોતાની ટ્વીટ ડિલીટ કરી હતી અને પછી એડિટેડ ડૉક્યુમેન્ટ શેર કર્યા, જેને ખુદ દિશાએ જ એડિટ કર્યા હતા.

પર્યાવરણ સાથે જોડાયેલા મુદ્દા પર કામ કરનાર એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ બેંગ્લોરમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ વિરોધ કર્યો છે. તેમને દિશા રવિને રિહા કરવાની માંગ કરી છે. આ ઉપરાંત કોંગ્રેસના સીનિયર નેતા પી ચિદમ્બરમ, જયરામ રમેશે પણ દિશા રવિની ધરપકડનો વિરોધ કર્યો છે. ચિદમ્બરમે કહ્યું કે, શું 21 વર્ષની એક કોલેજ વિદ્યાર્થીની દેશ માટે ખતરો બની ગઈ છે?

(12:09 am IST)