મુખ્ય સમાચાર
News of Sunday, 22nd May 2022

યુરોપમાં કોરોના મહામારીના કહેર વચ્ચે મંકીપોક્સનો પ્રકોપ પણ વધ્‍યો : મંકીપોક્સથી પીડિત દર્દીની સંખ્યા 100ને પાર

WHOની મળી બેઠક: બેઠકમાં મંકીપોક્સને મહામારી જાહેર કરવી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા વિચારણા

નવી દિલ્‍હી :  યુરોપમાં કોરોના મહામારીના કહેર વચ્ચે મંકીપોક્સનો પ્રકોપ શરૂ ચૂક્યો છે. વિશ્વના અનેક દેશોમાં મંકીપોક્સ વાઇરસ ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. યુરોપમાં તો ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. યુરોપમાં મંકીપોક્સથી પીડિત દર્દીની સંખ્યા 100ને પાર કરી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ બાબતની ગંભીર નોંધ લઈને તાકીદની બેઠક બોલાવી છે. બેઠકમાં મંકીપોક્સને મહામારી જાહેર કરવી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા વિચારણા થશે. સંગઠને ચેતવણી આપી છે કે યુરોપમાં મંકીપોક્સ સંક્રમણ વધી શકે છે. . નિષ્ણાતોનું માનવું છે કે આ બીમારીને રોકી શકાય તેમ છે. મંકીપોક્સ પર વેક્સિન ખૂબ ઓછી અસર કરે છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠનના યુરોપીય વડા મંકીપોક્સથી ખૂબ ચિંતિત છે. તેમનું કહેવું છે કે લોકો ગરમીની રજાઓ ગાળવા જાય તો મંકીપોક્સ સંક્રમણ વધી શકે છે.શુક્રવારે હુના યુરોપીય સંઘ એકમે તો તાકીદની બેઠક પણ કરી લીધી.

 

યુરોપીય દેશોમાં 7 મેના રોજ મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. તે વ્યક્તિ નાઇજીરિયાથી આવી હતી. મંકીપોક્સના મોટાભાગના કેસ આફ્રિકી દેશોમાં જોવા મળે છે. વર્ષ 2017થી જ અહીં મંકીપોક્સ કેસની સંખ્યા વધી રહી છે. ભારતમાં હજી સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ રોગ નિયંત્રણ કેન્દ્ર અને આઇસીએમઆરને સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી દીધી છે. દેશના એરપોર્ટ અને બંદરગાહો પર પણ સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.ખાસ કરીને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડીને ભારત આવનારા પ્રવાસીમાં જો કોઈ ખાસ લક્ષણ જોવા મળે તો સેમ્પલ તપાસ માટે પૂણે સ્થિત એનઆઇવીમાં મોકલવા સૂચના આપવામાં આવી છે.

(11:46 am IST)