મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

ચીનના લીધે ક્રિપ્ટોકરન્સીમાં જોરદાર કડાકો જોવા મળ્યો

એલન મસ્કના નિવેદનોની ચીનની કાર્યવાહીમાં ભૂમિકા : સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત લગભગ ૮ ટકા ઘટાડાની સાથે ૩૨,૨૮૮ ડોલર પર આવી ગઈ

નવી દિલ્હી, તા.૨૧ : ચીને બિટકોઈન માઈનિંગ સામે પોતાની કાર્યવાહીનો વ્યાપ વધારી દીધો છે, જેનાથી સોમવારે બિટકોઈન અને ઈથર સહિત બધી ક્રિપ્ટોકરન્સીઝની કિંમતમાં ભારે ઘટાડો થયો. દુનિયાની સૌથી જૂની, સૌથી લોકપ્રિય અને સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત લગભગ ૮ ટકા ઘટાડાની સાથે ૩૨,૨૮૮ ડોલર પર આવી ગઈ છે. તે ૮ જૂન પછીનું તેનું ન્યૂનતમ સ્તર છે.

એપ્રિલમાં બિટકોઈનની કિંમત ૬૫,૦૦૦ ડોલરની નજીક પહોંચી ગઈ હતી. પરંતુ, તે પછી તેમાં ઘણો ઘટાડો આવ્યો છે. ચીનની સરકારની કાર્યવાહી અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કના નિવેદનોએ મોટી ભૂમિકા નિભાવી.

ઈથર પણ ૨૩ મે પછી પહેલી વખત ૨,૦૦૦ ડોલર કરતા નીચે પહોંચી ગઈ. બાદમાં બંનેની કિંમતમાં થોડો સુધારો થયો. બિટકોઈન ૭.૯ ટકાના ઘટાડા સાથે ૩૨,૭૮૧ ડોલર અને ઈથર ૧૦ ટકાના ઘટાડા સાથે ૨૦૧૯ પર ટ્રેડ કરી રહી હતી. એ જ રીતે ડોગકોઈન અને બીજી ક્રિપ્ટોકરન્સીઝની કિંમતમાં પણ ઘટાડો આવ્યો છે.

ક્રિપ્ટોકરન્સીની માઈનિંગ પર ચીનની સરકારની કાર્યવાહી હવે સિચુઆન પ્રાંત સુધી પહોંચી ગઈ છે. ક્રિપ્ટોમાઈનિંગ ચીનમાં એક મોટો બિઝનેસ છે. દુનિયાભરમાં થનારા બિટકોઈન ઉત્પાદનમાં ચીનની અડધી ભાગીદારી છે. સિચુઆનમાં અધિકારીઓએ ક્રિપ્ટોકરન્સી માઈનિંગ સાથે જોડાયેલા પ્રોજેક્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં મે મહિનામાં જ ક્રિપ્ટોકરન્સી માઈનિંગ અને ટ્રેડિંગ પર પ્રતિબંધ લગાવાયા બાદ એવું કરનારાઓ પર કાર્યવાહી થઈ રહી છે. તાજેતરમાં જ ચીનના મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું કે, ક્રિપ્ટોકરન્સી દ્વારા મની લોન્ડ્રિંગ કરનારી ગેંગનો ખુલાસો કરતા ૧૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

(12:00 am IST)