મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

પેટ્રોલ - ડિઝલનો ભાવવધારો

UPA સરકારની 'રાજનીતિ'ની કિંમત ચુકવી રહી છે મોદી સરકાર - પ્રજા

મનમોહન વખતે ક્રુડ મોંઘુ થતું તો બોજો ગ્રાહકો પર ન્હોતો નખાતો પણ સબસીડીની વ્યવસ્થા થતી'તી : આ સબસીડીની રકમના બદલામાં ઓઇલ કંપનીઓને બોન્ડ જારી થતાં : અગાઉ ૧.૩૧ લાખ કરોડના ઓઇલ બોન્ડની ચુકવણી મોદી સરકારે કરવાની છે : મુદ્દત ૧૦ થી ૨૦ વર્ષની હતી

નવી દિલ્હી તા. ૨૨ : દેશના કેટલાય ભાગમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી વધી ગયું છે અને આ ભાવવધારાથી સામાન્ય માણસ ત્રસ્ત છે. પણ હકીકત એ છે કે પહેલાની યુપીએ સરકારમાં ઓઇલ કિંમતો બાબતે જે રાજકારણ થતું હતું તેનું વળતર હાલની કેન્દ્ર સરકારે ચૂકવવું પડે છે. પહેલા ક્રુડ મોંઘુ થતાં તેનો સંપૂર્ણ બોજ આમ જનતા પર નહોતો નખાતો પણ સબસીડીની વ્યવસ્થા હતી. આ સબસીડીની રકમના બદલામાં ઓઇલ કંપનીઓને ઓઇલ બોંડલ બહાર પડાતા હતા. આ બોંડસની પાકવાની મુદત ૧૦ થી ૨૦ વર્ષની રહેતી હતી. હવે આ બોંડસ પાકવાનો સમય થયો છે અને હવે તેનું પેમેન્ટ શરૂ થશે. પહેલાની સરકારો દ્વારા બહાર પડાયેલ ૧.૩૧ લાખ કરોડના ઓઇલ બોન્ડસનું ચૂકવણુ વર્તમાન અને આગામી કેન્દ્ર સરકારોએ આ વર્ષના ઓકટોબરથી માર્ચ ૨૦૨૬ વચ્ચે કરવું પડશે. આ બોન્ડસ પર આ વર્ષે લગભગ ૨૦૦૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ કેન્દ્રએ ચૂકવવું પડશે.

નાણા મંત્રાલય તરફથી અપાયેલ આંકડાઓ અનુસાર, આ વર્ષે ઓકટોબર અને નવેમ્બરમાં પાંચ-પાંચ હજાર કરોડ રૂપિયાના બોન્ડસના પેમેન્ટનો બોજ કેન્દ્રએ ઉઠાવવાનો છે. એક દાયકા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડાયેલ આ બોન્ડસ માટે હવે મૂળ રકમ અને વ્યાજ તરીકે ૨૦૦૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે. ૨૦૦૯ અને ૨૦૧૪ની ચુંટણીઓ પહેલા તત્કાલીન યુપીએ સરકારે પેટ્રોલની છૂટક કિંમતો વધારવાનું સાવ બંધ કરી દીધું હતું. ત્યારે ક્રુડની કિંમત એક સમયે ૧૪૫ ડોલર પ્રતિ ડોલર પહોંચી ગઇ હતી. ત્યારે તેનો સંપૂર્ણ બોજ આમ જનતા પર નહોતો. નખાયો અને ખોટની ભરપાઇ માટે બોન્ડસ બહાર પડાયા હતા. ઓઇલ બોન્ડસ કેન્દ્ર સરકારના બીજા બોન્ડસ જેવા જ હોય છે. જેમાં એક નિશ્ચિત મુદ્દત પછી વ્યાજ સહિતની રકમ ચુકવવાની હોય છે.

પહેલા ઓઇલ કંપનીઓને પેટ્રોલીયમ પ્રોડકટના ભાવ વધારવાનો અધિકાર નહોતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ મોંઘુ થાય તો સરકારી ઓઇલ કંપનીઓએ ભાવવધારા માટે સરકારની પરવાનગી લેવી પડતી હતી. રાજકીય કારણોથી કોઇ પણ સરકાર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને ગેસના ભાવ વધારવાનો નિર્ણય નહોતી લઇ શકતી. તેના માટે કેબીનેટ અને ગઠબંધન પક્ષોની બેઠક બોલાવવી પડતી હતી. ૧૯૯૬-૯૭ પછીથી કેન્દ્ર સરકારોએ ઓઇલ કંપનીઓની ખોટની ભરપાઇ માટે ઓઇલ બોન્ડસ બહાર પાડવાની ફોર્મ્યુલા કરી હતી.

ઓઇલ બોન્ડસ બહાર પાડીને યુપીએ સરકારે ત્યારે તો ગ્રાહકો માટે ભાવ ઓછા રાખ્યા પણ હવે તેનું પેમેન્ટ ગ્રાહકોના ખીસ્સામાંથી જ થવાનું છે.

(10:18 am IST)