મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

ડોકટરની ગંભીર બેદરકારી

ડિલીવરી માટે પેટને ચીરતી વખતે ગર્ભમાં રહેલી બાળકીનો ગાલ પણ ચીરી નાખ્યો! બાળકીના ગાલ પર ૧૩ ટાંકા લેવા પડયાં હતાં

નવી દિલ્હી, તા.૨૨: ડોકટરને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. ડોકટરની બેદરકારીના અનેક મામલા સામે આવે છે. કયારેક કયારેક કોઈ દર્દીના પેટમાં ટુવાલ તો કયારેક કાતર રહી ગઈ હોય તેવી ગંભીર બેદરકારી સામે આવે છે. અમેરિકામાં મેડિકલ વર્લ્ડની બેદરાકારી સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. ડોકટરની બેદરકારીના કારણે ગર્ભમાં રહેલી બાળકીના ગાલ પર ચીરો મારી દીધો હતો. બાળકીનો જન્મ કપાયેલ ગાલ સાથે થયો હતો. ડોકટરે તાત્કાલિક ૧૩ ટાંકા લેવા પડ્યા હતા.

બાળકીની માતાને ડિલીવરી માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને સિઝેરીયન ડિલીવરી કરવામાં આવી હતી. પેટમાં બાળકીનો ચહેરો પ્લેસેન્ટાની ખૂબ જ નજીક હતો. ડોકટરે આ બાબતની તપાસ યોગ્ય રીતે કરી ન હતી, જેના કારણે માતાના પેટ પર ચીરો મારતા સમયે બાળકીના ચહેરા પર પણ કાપ મૂકાઈ ગયો હતો.

આ બાળકીનું નામ કયાની વિલિયમ્સ રાખવામાં આવ્યું છે, બાળકીના માતા-પિતાએ બાળકીના ફોટોઝ શેર કર્યા છે. બાળકીના માતા પિતાનું નામ ડમાર્કુસ અને રિઝાના વિલિયમ્સ છે, માતાને નોર્મલ ડિલીવરી થવાની હતી. માતાને લેબર પીલ આપવાને કારણે તેને ખૂબ જ દુઃખાવો થવા લાગ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક ઈમરજન્સીમાં એડમિટ કરવામાં આવી હતી.સિઝેરીયન બાદ બાળકીને ગર્ભમાંથી કાઢવામાં આવી ત્યારે તમામ લોકો ડરી ગયા હતા. બાળકીના ચહેરા પર ખૂબ જ મોટો કાપો હતો. આ કાપા ઉપર ૧૩ ટાંકા લેવામાં આવ્યા હતા. તે બાદ જાણવા મળ્યું હતું કે બાળકીનો ચહેરો માતાના પ્લેસેન્ટાની ખૂબ જ નજીક હતો. આ કારણોસર ડાઙ્ખકટરે સિઝેરીયન માટે પેટ પર ચીરો લગાવ્યો, ત્યારે બાળકીનો ગાલ પણ કપાઈ ગયો હતો. આ બાબતે માતાએ મીડિયાને જણાવ્યું કે, પહેલા તો તે સમજી જ શકી ન હતી કે ગર્ભમાં બાળકી સાથે શું થયું છે, પરંતુ ત્યાર બાદ તેને ખબર પડી કે સર્જરી દરમિયાન તેનો ગાલ ચીરાઈ ગયો હતો.

આ સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ કેસ કર્યો છે. ડોકટરની બેદરકારીના કારણે તેમની બાળકી સાથે આ પ્રકારનો બનાવ થયો છે. આ સમગ્ર મામલે માતા-પિતાએ ન્યાય માંગ્યો છે. ડેન્વેર હેલ્થે નિવેદનમાં જણાવ્યું છે કે, હોસ્પિટલમાં તમામ દર્દીઓને બેસ્ટ મેડિકલ સુવિધા મળે તેવો પ્રાયસ કરવામાં આવે છે. આ બેદરકારીના મામલે તપાસ કરવામાં આવશે અને દોષિતોને સજા પણ આપવામાં આવશે.

(3:19 pm IST)