મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

હવે માત્ર અવાજથી જ ચાર્જ થઇ જશે સ્માર્ટફોન : શિયોમી લાવશે નવી ટેકનોલોજી

કંપનીએ તેમાં નવુ Mi એર ચાર્જર પણ રજૂ કર્યું હતું : જે ચાર્જિંગ કેબલ અથવા સ્ટેન્ડ વિના ડિવાઇસની બેટરી ચાર્જ કરી શકે છે

નવી દિલ્હી તા. ૨૨ : ટેકનોલોજી કંપની શિયોમી હાલમાં નવી ટેકનોલોજી પર કામ કરી રહી છે, જેમાં માત્ર વોઇસની મદદથી સ્માર્ટફોન ચાર્જ કરી શકાશે. શિયોમીનો દાવો છે કે, તે ભારતમાં નંબર ૧ સ્માર્ટફોન બ્રાન્ડ છે, જે પોતાની નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેના દ્વારા માત્ર અવાજથી સ્માર્ટફોન અને અન્ય ઉપકરણોની બેટરી ચાર્જ કરી શકાશે. આ નવી ટેકનોલજી માટે કંપનીએ પેટન્ટ પણ ફાઇલ કર્યુ છે. શિયોમીના સાઉન્ડ ચાર્જિંગ પેટન્ટની તસવીરો ચીનના National Intellectual Property Administration (CNIPA) પર જોવા મળી છે.

શિયોમી આ પેટન્ટનો ઉપયોગ એક સાઉન્ડ ચાર્જિંગ ડિવાઇસ, એનર્જી સ્ટોરેજ ડિવાઇસ અને ઇલેકટ્રોનિક ડિવાઇસ માટે કરી શકે છે. આ ઉપકરણો અવાજ એકત્રિત કરશે અને તેને પર્યાવરણીય વાઈબ્રેશનથી મેકેનિકલ વાઈબ્રેશનમાં રૂપાંતરિત કરશે.

આ મિકેનિકલ ડિવાઇસને ઇલેકિટ્રક કરંટમાં કન્વર્ટ કરવા માટે, શિયોમી ગ્રાહકોને એક ડિવાઇસ પણ આપશે. આ ડિવાઈસ AC કરંટને DC કરંટમાં રૂપાંતરિત કરશે. કંપનીનો દાવો છે કે, આ ટેકનોલોજી પાવર સોકેટ વિના સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસીસ ચાર્જ કરશે.

કંપનીએ તાજેતરમાં તેની 200W હાયપરચાર્જ ટેકનોલજીની ઘોષણા કરી છે, જે ફકત ૮ મિનિટમાં 4000mAh ની બેટરી ચાર્જ કરશે. કંપનીએ તેમાં નવું Mi એર ચાર્જર પણ રજૂ કર્યું હતું, જે ચાર્જિંગ કેબલ અથવા સ્ટેન્ડ વિના ડિવાઇસની બેટરી ચાર્જ કરી શકે છે. શિયોમીએ દાવો કર્યો છે કે, નવી એમઆઈ એર ચાર્જ તકનીકનો ઉપયોગ એક જ સમયે અનેક ડિવાઈસને વાયરલેસ રીતથી ચાર્જ કરવા માટે થઈ શકે છે. કંપની હાલમાં Mi એર ચાર્જ ટેકનોલોજી માટે ૧૭ પેટન્ટ ધરાવે છે.

કંપનીએ જણાવ્યું હતું કે, તે નવી ચાર્જિંગ ટેકનોલોજી પર કામ કરી રહી છે, જેના દ્વારા ઘરેલુ વસ્તુઓ જેવી કે, સ્માર્ટ સ્પીકર્સ, ડેસ્ક લેમ્પ્સ, સ્માર્ટ ડિવાઈસ અને અન્ય વસ્તુઓનો ચાર્જ કરી શકાય છે. Mi એર ચાર્જિંગ ટેકનોલોજીની લોન્ચને લઈ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

(3:25 pm IST)