જમ્મુ-કાશ્મીર અંગેની બેઠકમાં સામેલ થશે ગુપકારઃ પીડીપીના મહેબુબા મુફતીનો પાકિસ્તાન પ્રેમ છલકાયો
૨૪મીએ મોદીએ દિલ્હીમાં ૧૪ પક્ષોની બેઠક બોલાવી છે

નવી દિલ્હી તા. ૨૨ : પીએમ નરેન્દ્ર મોદી સાથે કાશ્મીરના નેતાઓની મુલાકાત પહેલા પીડીપીના નેતા મહેબુબા મુફતીનો 'પાક પ્રેમ' છલકાયો છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમે કેન્દ્ર સરકારને પાકિસ્તાન સાથે વાતચીત કરવાની માંગ કરી છે.
મહેબુબાએ કહ્યું સરકારે દોહામાં તાલિબાન સાથે વાતચીત કરી છે. તેને જમ્મુ-કાશ્મીરમાં વાત કરવી જોઇએ. આ ઉપરાંત તેને મુદ્દાના સમાધાન માટે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મહેબુબા મુફતી કાશ્મીર સાથે જોડાયેલા મુદ્દાને સમાધાન માટે વાતચીતમાં પાકિસ્તાનને સામેલ કરવાની વકાલત કરી રહી છે.
જમ્મુ કાશ્મીરની રાજકીય પાર્ટીઓના ગુપકાર સંગઠને નિર્ણય કર્યો છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં તેઓ સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ૨૪ જૂનના રોજ જમ્મુ કાશ્મીરને લઈને બેઠક થનાર છે જેમાં જમ્મુ કાશ્મીરની રાજકીય પાર્ટીઓ અને નેતાઓ પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહાબેઠક પહેલા આજે શ્રીનગરમાં ગુપકાર સંગઠનની બેઠક મળી છે. આ બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારુખ અબ્દુલ્લાના નિવાસસ્થાને મળી હતી.
ગુપકાર નેતાઓની બેઠક બાદ ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલ બેઠકમાં સામેલ થશે. બેઠક બાદ શ્રીનગર અને દિલ્હીની મીડિયા સાથે વાત કરવામાં આવશે. ત્યારે અમારો એજન્ડા સૌને ખાબર પડી જશે.
આ દરમ્યાન મહેબુબા મુફતી તરફથી અપીલ કરવામાં આવી છે કે જે રાજકીય કેદીઓ છે તેમને જલ્દી મુકત કરવામાં આવે જેથી વિશ્વાસ પ્રસ્તાવિત કરી શકાય. જોકે, મહેબુબા મુફતીએ એમ પણ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના મુદ્દે સરકારે તમામ સાથે વાત કરવી જોઈએ. પાકિસ્તાન સાથે પણ વાત કરવી જોઈએ.
ગુપકાર સંગઠન અંતરંગ જમ્મુ કાશ્મીરની કુલ સાત રાજકીય પક્ષો આવે છે. તેમાં સૌથી મહત્વની મોટી પાર્ટીઓ નેશનલ કોન્ફરન્સ, પીડીપી છે. ગુપકાર સંગઠનના નેતા મુઝફફર શાહનું કહેવું છે કે અમે લોકો વડાપ્રધાનના આમંત્રણને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. સાથે જે ૩૫એ અને ૩૭૦ને લઈને પણ વાત થશે અને કોઈ નિર્ણય લેવામાં આવશે.