મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

યુપી ધર્માંતરણ કાંડમાં કેન્દ્રીય અધિ.ની સંડોવણીનો આરોપ

યુપીમાં ધર્માંતરણ મુદ્દે બેની ધરપકડ બાદ સ્ફોટક ખુલાસા : બાળ કલ્યાણ વિભાગનો અધિકારી જરુરિયામંદોનુ લિસ્ટ આપતો જેના આધારે આરોપી આવા લોકો સુધી પહોંચતા

લખનૌ, તા. ૨૨ : યુપીમાં ધર્માંતરણ કરાવનારા બે વ્યક્તિઓની પોલીસે ગઈકાલે ધરપકડ કર્યા બાદ મામલામાં સ્ફોટક ખુલાસાઓ થઈ રહ્યા છે. કેન્દ્રના બાળ મહિલા કલ્યાણ વિભાગના એક અધિકારીની પણ તેમાં સંડોવણી હોવાના આરોપ લાગ્યા બાદ ખળભળાટ વ્યાપી ગયો છે.

પોલીસનુ કહેવુ છે કે, બાળ મહિલા કલ્યાણ વિભાગનો અધિકારી જરુરિયામંદ લોકોનુ લિસ્ટ બનાવીને પકડાયેલા બે આરોપીઓને આપતો હતો. જેના આધારે આરોપીઓ આવા લોકો સુધી પહોંચતા હતા અને તેમની જરુરિયાત પ્રમાણે લાલચ આપીને તેમનુ ધર્મ પરિવર્તન કરાવતા હતા.

અધિકારીની પણ પોલીસ પૂછપરછ કરવાની છે. સિવાય પોલીસને જાણકારી મળી છે કે, ધર્મ પરિવર્તનના રેકેટ માટે કતારથી પણ ફંડિંગ કરાઈ રહ્યુ હતુ. પૈસાનો ઉપયોગ લોકોને લાલચ આપવા માટે કરાતો હતો.

હિન્દુઓનુ ધર્મ પરિવર્તન કરાવવાના મામલામાં બે સંગઠનોની ભૂમિકા હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજા સંગઠનની તપાસ માટે પોલીસ દરોડો પાડી રહી છે. દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે તપાસ કરી રહેલી એજન્સીઓને મામલાના મૂળિયા સુધી જવા આદેશ આપ્યો છે. સાથે સાથે કહ્યુ છે કે, જે પણ મામલામાં સંડોવાયેલા છે તેમની સામે ગેંગસ્ટર એકટ હેઠળ કાર્યવાહી કરાશે અને તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા ધારા પણ લાગુ કરાશે.તેમની પ્રોપર્ટી પણ સરકાર જપ્ત કરશે.

સોમવારે યુપી પોલીસની એટીએસ દ્વારા ખુલાસો કરાયો હતો કે, પકડાયેલા આરોપીઓએ ૧૦૦૦ જેટલા મૂક બધિર બાળકો, મહિલાઓ અને જરુરિયાત મંદોનુ ધર્મ પરિવર્તન કરાવ્યુ હતુ અને તેમને ઈસ્લામ સ્વીકારવા માટે મજબૂર કરાયા હતા. બંને આરોપીઓની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

(7:55 pm IST)