મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd June 2021

ઓલીને મોટો ઝટકો : સુપ્રીમકોર્ટે 20 પ્રધાનોની નિમણુંક રદ કરતા નેપાળમાં ફરી રાજકીય સંકટ

ગૃહના વિસર્જન પછી કેબિનેટનું વિસ્તરણ ગેર બંધારણીય : હવે ઓલીના મંત્રીમંડળમાં પાંચ પ્રધાનો રહ્યા

કાઠમંડુ : નેપાળમાં ફરી રાજકીય સંકટ ઉભું થયું છે. વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીને મોટો આંચકો આપતાં સુપ્રીમ કોર્ટે કેબિનેટના 20 પ્રધાનોની નિમણૂક રદ કરી છે. આ મંત્રીઓની નિમણૂક કે.પી.શર્મા ઓલીએ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ગેર બંધારણીય જાહેર કરી છે.

 મુખ્ય ન્યાયાધીશ છોલેન્દ્ર શમશેર રાણા અને ન્યાયાધીશ પ્રકાશકુમાર ધુંગાનાની ખંડપીઠે મંગળવારે ચુકાદો જાહેર કરતા કહ્યું કે ગૃહના વિસર્જન પછી કેબિનેટનું વિસ્તરણ ગેર બંધારણીય હતું. તેથી મંત્રીઓને તેમની ફરજોથી દૂર કરી શકાતા નથી.

સ્થાનિક સમાચાર પત્રના અહેવાલ મુજબ બે ઉપ વડા પ્રધાન જનતા સમાજવાદી પાર્ટીના રાજેન્દ્ર મહંતો અને ઓલીની CPN-UMLપાર્ટીના રઘુબીર મહાસેઠને તેમના હોદ્દા ગુમાવ્યા છે. મહાસેઠ ઓલી સરકારમાં નાણાં પ્રધાન પણ હતા.

 

 નેપાળની  ટોચની અદાલતના આ આદેશ બાદ હવે કે.પી.શર્મા ઓલીના પ્રધાનમંડળમાં તેમના સહિત માત્ર પાંચ પ્રધાનો બાકી છે. સરકારમાં માત્ર નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન બિષ્ણુ પાઉડેલ, શિક્ષણ પ્રધાન કૃષ્ણ ગોપાલ શ્રેષ્ઠ, ફિજિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રધાન બસંત નેમબેંગ અને કાયદા પ્રધાન લીલાનાથ શ્રેષ્ઠ બાકી છે.

ઓલીના મંત્રીમંડળના વિસ્તરણ વિરુદ્ધ 7 જૂનના રોજ છ લોકોએ અરજી કરી હતી. જેમાં વરિષ્ઠ એડવોકેટ દિનેશ ત્રિપાઠી પણ સામેલ હતા. તેમણે માંગ કરી હતી કે કેબિનેટ વિસ્તરણનો નિર્ણય તાત્કાલિક રદ કરવામાં આવે.

 નેપાળમાં 69 વર્ષીય કેપી શર્મા ઓલીને ગયા મહિને અવિશ્વાસ મતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેમની સરકાર લઘુમતીમાં આવી હતી. તેની બાદ 4 અને 10 જૂને તેમણે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું અને 17 મંત્રીઓનો સમાવેશ કર્યો. જોકે, આ નિર્ણયની ઘણી નિંદા કરવામાં આવી હતી.

ત્રણ રાજ્ય પ્રધાનોની પણ નિમણૂક કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કલમ 77 (3 ) ને ટાંકીને નિમણૂક રદ કરી દીધી હતી. આ મુજબ જો વડાપ્રધાનને વિશ્વાસનો મત ના મળે અથવા પીએમ રાજીનામું આપે તો વડા પ્રધાનની કચેરી ખાલી પડે છે. તો આ જ કેબિનેટ ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી બીજી કેબિનેટની રચના ના થાય.

(12:12 am IST)