મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

સંજય રાઉતે કહ્યું ઓક્સિજનની અછતથી એક પણ મોત થયું નથી તેવું કહેનારી મોદી સરકાર ઉપર કેસ દાખલ કરો

ઓક્સિજનની અછતના કારણે સ્વજનો ગુમાવનારા લોકોના આ નિવેદન સાંભળીને શું સ્થિતિ થઈ હશે તે વિચારી શકાય તેવુ નથી સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ, કારણ કે સરકાર જુઠ્ઠુ બોલી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં ગઈકાલે એક જાણકારી આપવામાં આવી હતી અને તેમાં કહેવાયુ હતુ કે, ઓક્સિજનની અછતના કારણે દેશમાં એક પણ વ્યક્તિનું મોત થયુ નથી.

જોકે હવે વિપક્ષો સરકારને આ મુદ્દે ઘેરી રહ્યા છે ત્યારે શિવસેનાએ પણ સરકાર પર હુમલો કર્યો છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ છે કે, મારી પાસે શબ્દો નથી, ઓક્સિજનની અછતના કારણે પોતાના સ્વજનો ગુમાવનારા લોકોના આ નિવેદન સાંભળીને શું સ્થિતિ થઈ હશે તે વિચારી શકાય તેવુ નથી. સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ, કારણ કે સરકાર જુઠ્ઠુ બોલી રહી છે.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખીએ તેના પર પલટવાર કરતા કહ્યુ હતુ કે, સંજય રાઉતે પહેલા મહારાષ્ટ્રમાં ઓક્સિજનની કમીના કારણે મરનારા લોકોનો આંકડો જાહેર કરવો જોઈએ. હું શિવસેના અને કોંગ્રેસનુ બેવડુ વલણ જોઈને સ્તબ્ધ છું.

આ નિવેદન બાદ સરકાર સફાઈ આપી ચુકી છે કે, અમે તો રાજ્યો દ્વારા જે આંકડા મોકલવામાં આવ્યા હતા તે જ જાહેર કર્યા છે. સ્વાસ્થ્યનો વિષય રાજ્ય સરકાર પાસે છે. કોઈ રાજ્યે ઓક્સિજનની અછતથી મોત થયુ હોવાનુ કહ્યુ નથી.

(12:00 am IST)