મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

અધ્યક્ષનો પદભાર ગ્રહણ કરશે સિદ્ઘુઃ CM અમરિંદરને આપ્યું આમંત્રણ

સિદ્ઘુએ ૬૫ ધારાસભ્યોની સહીવાળુ નિમંત્રણ પત્ર અમરિંદર સિંહને મોકલ્યુ

ચંડીગઢ,તા.૨૨: પંજાબ કોંગ્રેસના નવા કેપ્ટન નવજોત સિંહ સિદ્ઘુ ૨૩ જુલાઈએ પ્રદેશ અધ્યક્ષનો પદ ભાર ગ્રહણ કરશે. તેમણે આ માટે ૬૫ ધારાસભ્યોની સહી સાથેનું નિમંત્રણ પત્ર રાજયના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મોકલ્યુ છે. આ સાથે સિદ્ઘુએ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતને પણ આમંત્રણ મોકલ્યું છે. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. પંજાબ વિધાનસભામાં કોંગ્રેસના ૮૦ ધારાસભ્યો છે.

કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ઘુને ભલે પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપી દીધી હોય પરંતુ પંજાબ કોંગ્રેસમાં હજુ વિવાદ સમાપ્ત થયો નથી. આ વચ્ચે સિદ્ઘુએ બુધવારે શકિત પ્રદર્શન કર્યુ છે. સિદ્ઘુ પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો સાથે ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા. સિદ્ઘુની સાથે પાર્ટીના ધારાસભ્યો બુધવારે એક બસમાં ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા પહોંચ્યા, જયાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થક હાજર હતા. સિદ્ઘુ અને અન્ય ધારાસભ્યો દુર્ગિયાના મંદિર અને રામ તીરથ સ્થળ પણ ગયા હતા.

ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યા બાદ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યુ- અમે સમૃદ્ઘ પંજાબ માટે પ્રાર્થના કરી, જેમાં અમારા બધાનું યોગદાન હશે. જાહેરમાં માફી માંગવા સુધી સિદ્ઘુને ન મળવાના મુખ્યમંત્રી અમરિંદર સિંહના વલણ પર કેટલાક ધારાસભ્યોએ કહ્યું કે તેની કોઈ જરૂર નથી. આ આયોજન કરનારવ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યુ કે, તેમને મુખ્યમંત્રીના વ્યવહાર પર આશ્યર્ય થયું. તેમણે કહ્યું કે, રાજયના પ્રમુખ પદ પર સિદ્ઘુની નિમણૂકનો સ્વીકાર કરવો પડશે અને તેમનું સન્માન કરવુ પડશે, પછી ભલે ભૂતકાળમાં તેમની વચ્ચે કોઈપણ મતભેદ રહ્યો હોય.

સિદ્ઘુ અને મુખ્યમંત્રી વચ્ચે મતભેદ પર ધારાસભ્ય મદન લાલ જલાલપુરે કહ્યુ- મુખ્યમંત્રીએ દિલથી સિદ્ઘુનું સ્વાગત કરવુ જોઈએ. મુખ્યમંત્રીએ તેમના વિરુદ્ઘ નિવેદનબાજી કરનાર પ્રતાપ સિંહ બાજવા સાથે પણ મુલાકાત કરી હતી. પરંતુ અમરિંદર સિંહના સલાહકાર તેમને યોગ્ય રસ્તો દેખાડી રહ્યાં નથી.

પંજાબના મુખ્યમંત્રીના મીડિયા સલાહકારે મંગળવારે તે અહેવાલોને ફગાવી દીધા હતા કે સિદ્ઘુએ તેમની પાસે મુલાકાત માયે સમય માંગ્યો છે. મીડિયા સલાહકારે કહ્યુ હતુ કે જયાં સુધી સિદ્ઘુ સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ઘ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પર જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી મુખ્યમંત્રી તેમને મળશે નહીં.

(10:33 am IST)