મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

ચેન્નાઈના 'ઓટો અન્ના'ની હાઇટેક રિક્ષાઃ પેસેન્જરને મળે છે ટીવી, ફ્રિજ, આઇપેડની સુવિધા

આ રિક્ષા સામે ફાઇવ સ્ટાર હોટલ પણ ઝાંખી લાગે, મુસાફરીની સાથે મળશે મોજ

ચેન્નાઇ,તા. ૨૨: કોરોના મહામારી એ છેલ્લા દોઢ વર્ષથી મચાવેલ આતંક વચ્ચે અમુક રિક્ષા ડ્રાઇવર્સે પોતાની આવડત અને સમજથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ છે. અવાર નવાર સોશ્યલ મીડિયામાં આપણે જોઇએ છીએ કે રિક્ષા ચાલકો પોતાની રિક્ષાને આશ્ચર્યજનક રીતે સુવિધાઓથી સજ્જ બનાવે છે, જે લોકોને પણ ખૂબ પસંદ આવે છે. અમુક ડ્રાઇવરો રિક્ષામાં ઓકિસજન સિલિન્ડર્સ ઇન્સ્ટોલ કરે છે, જેથી કોઇ દર્દીને હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જરૂર પડે તો રિક્ષામાંથી લઇ શકે. જયારે અમુક રિક્ષા ચાલકો મેડિકલ માસ્ક સેનિટાઇઝર્સ અને અન્ય કોવિડ-૧૯ સંબંધિત જરૂરી સામગ્રીઓ મુસાફરોની સુવિધા માટે રાખે છે.

ત્યારે હાલમાં જ ચેન્નઈનો એક રિક્ષા ચાલક તેના અનોખા આઇડીયાને લઇને ખૂબ ચર્ચામાં આવ્યો છે અને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અન્ના દુરઇ નામના આ રિક્ષા ચાલકે સાબિત કર્યુ છે કે એન્ટરપ્રેન્યોર બનવા માટે જરૂરી નથી કે તમારી પાસે સ્ટાફ અને કેબિન હોય. ઓટો અન્ના તરીકે જાણીતા દુરઇની પાસે એક રિક્ષા છે, જે સામાન્ય વાહનો જેવી બિલકુલ પણ નથી. આ રીક્ષા દ્યણા ગેજેટ્સથી સજ્જ એક હાઇ ટેક રિક્ષા છે, જે અન્ય ઓટો રિક્ષાથી પોતાને અલગ સાબિત કરે છે.

ઓફિશિયલ હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વ્યકિતએ આ રિક્ષાનો વિડીયો શેર કરતા દુરઇની કહાની લોકો સામે આવી છે. આ વિડીયો તમારે પણ એક વખત જરૂરથી જોવો જોઇએ કારણ કે તે માત્ર તમને આનંદ જ નહીં, પરંતુ પ્રેરણા પણ આપશે.

આ વિડીયોમાં દુરઇ જણાવે છે નબળી આર્થિક પરીસ્થિતિના કારણે તે પોતાનો અભ્યાસ પૂરો કરી શકયો નહીં. તે જણાવે છે કે કઇ રીતે નિરાશ થવાની જગ્યાએ તેણે પોતાની કિસ્મત બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેણે પોતાની રિક્ષાને શહેરની સૌથી શ્રેષ્ઠ રિક્ષા બનાવવાનો નિર્ધાર કર્યો અને તેણે આમ કર્યું પણ ખરું. દુરઇની આ રિક્ષાની સવારી લોકોને આનંદની સાથે એક યાદગાર અનુભવ પણ આપે છે. દુરઇની આ રિક્ષા માસ્ક, સિટાઇઝર, એક મિની ફ્રીજ, એક આઇપેડ અને એક ટીવીથી સજ્જ છે.

૧૫ જુલાઇએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ વિડીયો અત્યાર સુધીમાં ૧.૩ મિલિયન વ્યૂઝ મેળવી ચૂકયો છે. આ વિડીયોની સાથે એડમીને કેપ્શન આપ્યું છે કે, લોકોએ પોતાની યૂએસપી(USP)ને ઓળખવી જોઇએ અને 'અપના ટાઇમ આયેગા'માં વિશ્વાસ પણ રાખવો જોઇએ. દુરઇ પાસે કોઇ પણ રસ્તો ન હોવા છતા તેણે પોતાના સપનાઓ છોડ્યા નહીં અને તેથી જ લોકો તેના વખાણ કરતા થાકી રહ્યા નથી. જયારે ઘણા લોકો તેની આ હાઇ ટેક રીક્ષામાં મુસાફરી કરવાની ઇચ્છા વ્યકત કરી રહ્યા છે, તો અમુક લોકો તેના આ પ્રયાસને ખૂબ પ્રેરણાત્મક માની રહ્યા છે.

(10:33 am IST)