મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

સરકાર ભલે છુટ પર અંકુશની તૈયારી કરે પણ

૭૨% ગ્રાહકો ઇચ્છે છે કે ઓનલાઇન છુટ મળતી રહેઃ ૪૯ ટકા ગ્રાહકો કરે છે ખરીદી

નવી દિલ્હી, તા.૨૨: ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા અપાતી છૂટ પર અંકુશ મુકવાની સરકારની તૈયારી વચ્ચે ૭૨ ટકા  ગ્રાહક ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા અપાતી છૂટ ના પક્ષમાં છે. તેમનું કહેવું છે કે સરકારે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર અપાતી છૂટ અથવા સેલ પર કોઇ પ્રકારના અંકુશ ના લગાવવા જોઇએ અને ના તો કોઇ હસ્તક્ષેપ કરવો જોઇએ.

લોકલ સર્કલ્સના સર્વે અનુસાર, મહાકારીના કારણે છેલ્લા ૧૨ મહીનામાં દેશમાં ઓનલાઇન ખરીદી માંડ મુખ્યધારામાં આવી ગઇ છે. ૪૯ ટકા ગ્રાહકો ઓનલાઇન ખરીદી કરી રહયા છે. સર્વેમાં સામેલ ૪૩ ટકા લોકોએ છેલ્લા છ મહિનામાં ઓનલાઇન ખરીદી દરમ્યાન એ વાતની માહિતી માંગી હતી કે સંબંધિત ઉત્પાદન કયા દેશમાં બનેલું છે. આ સર્વે દેશના ૩૯૪ જીલ્લાના ૮૨૦૦૦ થી વધારે લોકો સાથેની વાતચીત પર આધારિત છે. તેમાં ૬૨ ટકા પુરૂષ અને ૩૮ ટકા મહીલાઓ છે. સરકારે ઉપભોકતા સંરક્ષણ (ઇ-કોમર્સ) નિયમ ૨૦૨૦માં સુધારાનો પ્રસ્તાવ મુકયો છે. એવું માનવામાં આવે છે કે આ સુધારાઓથી ઓનલાઇન પ્લેટફોર્મની છૂટ અથવા સેલ પર અંકુશ આવી શકે છે.ઉદ્યોગ સંગઠન આઇએએમએઆઇએ કહયું કે પ્રસ્તાવિત ઇ-કોમર્સ નિયમ ફકત ઇ-કોમર્સ કંપનીઓ જ નહીં પણ ઓનલાઇન રીટેઇલ વિક્રેતાઓને સેવા પ્રદાન કરતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો હિતને અસર થઇ શકે છે. સરકાર તરફથી ૧૨ જૂને જાહેર કરાયેલ ઇ-કોમર્સ નિયમોના મુસદામાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર છેતરપીંડીવાળા વેચાણ અને માલ તથા સેવાઓના ખોટા વેચાણ પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ છે.

(11:08 am IST)