મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

દેશનું સૌપ્રથમ અને એકમાત્ર રોબોટ કાફે અમદાવાદમાં

કાફેમાં આવતા ગ્રાહકોનું સ્વાગત, ઓર્ડર મુજબ વાનગી બનાવી પીરસવાનું તમામ કામ રોબોટ દ્વારા થઈ રહ્યું છે

અમદાવાદ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ માસમાં અમદાવાદમાં સાયન્સ સિટીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાયન્સ સિટીમાં રોબોટ ગેલેરી ,એકવેટિક ગેલેરી ,તથા નેચર પાર્ક આવેલા છે.જે પૈકી રોબોટ ગેલેરીમાં આવેલ રોબોટ કાફે ને મુલાકાતીઓ દ્વારા ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

આ રોબોટ કાફેમાં આવતા ગ્રાહકોનું સ્વાગત કરવાનું , ઓર્ડર લેવાનું , ઓર્ડર મુજબ વાનગી બનાવવાનું તથા પીરસવાનું, તમામ કામ રોબર્ટ કરે છે.

કાફેમાં આવતા ગ્રાહકોએ ટચ સ્ક્રીન દ્વારા પોતાની પસંદગીની સીટ નક્કી કરવાની હોય છે. ૪૦ ગ્રાહકોની કેપેસીટી ધરાવતા આ કાફેના મેનુમાં દર્શાવેલી વાનગીઓ જેવી કે રેડ પાસ્તા , વઘારેલા ભાત ,દહીં ખીચડી ,મસાલા ઢોસા ,ચા ,કોફી , સહિતની વાનગીઓ રસોયા રોબોટ દ્વારા ખુલ્લા રસોડામાં તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી ગ્રાહકે આપેલા ઓર્ડર મુજબ  આ વાનગીઓ  પીરસવાનું કામ ૪ રોબોટ વેઈટર કરે છે. જેઓ ડિજિટલ  નંબર દ્વારા જાણવા મળતા ટેબલ અને ત્યાં મુકવાની વાનગી પીરસે છે. માણસની ઉંચાઈ જેટલા, સફેદ કલરના રોબોટને પોતાના ટેબલે આવી વાનગી પીરસતા જોઈને બાળકો રોમાંચિત થઇ જાય છે.આ સૌપ્રથમ એવું કાફે છે. જયાં તમામ કામ રોબોટ કરે છે.

૧૨૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ,૧૧૦૦ સ્કવેર  મીટરમાં પથરાયેલી ,રોબોટ ગેલેરીમાં અલ્ટ્રા મોડર્ન રોબોટિક ટેક્નોલોજી સાથેનું પ્રદર્શન મુલાકાતીઓ માટે મોટું આકર્ષણ છે.આ રોબોટ ગેલેરીમાં ૭૯ પ્રકારના જુદી જુદી કામગીરી કરતા ૨૦૦ ઉપરાંત રોબોટ છે.જેઓ મુલાકાતીઓનું સ્વાગત કરવા ઉપરાંત તેઓને ગેલેરીમાં આવેલી વિશેષતાઓ અંગે માર્ગદર્શન આપવાનું કામ પણ કરે છે.

૧૨ વર્ષનો એમે નામનો એક બાળક કાફેની મુલાકાત લઇ અચંબિત થઇ બોલી ઉઠે છે કે તે જાણે કે એક કાલ્પનિક વૈજ્ઞાનિક સ્થળની મુલાકાતે આવ્યો હોય તેવો અનુભવ કરી રહ્યો છે. તેની માતા પણ કહે છે કે આવા સ્થળો આ અગાઉ વિદેશોમાં જોયા હતા જે હવે ઘર આંગણે જોવા મળ્યાનો  આનંદ છે.તેવું ડી.જી.દ્વારા જાણવા મળે છે.

(3:00 pm IST)