મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd September 2021

કેટલાક લોકો ઇચ્છતા હતા કે હું મરી જાઉં: પોપ ફ્રાંસીસ

રોમ : પોપ ફ્રાંસીસે તેમની સામે આવી રહેલા રૂઢીવાદી ટીકાકારો પર નિશાન તાકતા કહ્યું કે તેમની ટીકાઓ શેતાનનું કામ છે અને તેમની હાલમાં જ થયેલ આંતરડાની સર્જરી પછી કેટલાક લોકો ઇચ્છતા હતા કે હું મરી જાઉં.

પોપ ફ્રાંસીસે સ્લોવેકની રાજધાની બ્રાતિરલાબમાં પહોંચ્યા પછી જેસૂટસ સાથે ૧ર સપ્ટેમ્બરે થયેલ એક બેઠક દરમ્યાન આ વાત કરી હતી. આ બેઠકમાં થયેલ વાતચીતનાં કેટલાક અંશ મંગળવારે જેસૂટ જર્નલ લા સિવીલ્ટા કેટોલીકામાં પ્રકાશિત કરાયા હતાં.

આ બેઠકમાં તેમણે કહયું કેટલાક લોકો ઇચ્છતા હતા કે હું મરી જાઉં. મને ખબર છે પાદરી લોકો બેઠકો કરવા લાગ્યા હતા અને કહી રહ્યા હતા કે પોપની પરિસ્થિતિ દર્શાવાઇ રહી છે. ખરેખર તો તે તેનાથી પણ વધારે ખરાબ છે. તેઓ આગળની તૈયારીઓ કરી રહ્યા હતાં. ઇશ્વરનો આભાર કે હું સાજો નરવો છું.

જુલાઇમાં પોપ ફ્રાંસીસ પર સર્જરી કરાઇ હતી જેમાં તેમના મોટા આંતરડાનો ૩૩ સેન્ટીમીટર હિસ્સો કાઢી નખાયો હતો. પોપ દસ દિવસ હોસ્પીટલમાં હતા ત્યારે ઇટલીના મીડીયાએ અનુમાન લગાવવાના શરૂ કર્યા હતા કે હવે કદાચ પોપ રાજીનામુ આપી દેશે અને સમાચારોમાં પોપના અનુગામી માટેની ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ હતી.

(4:04 pm IST)