મુખ્ય સમાચાર
News of Thursday, 22nd September 2022

યુનોમાં તુર્કીનો કાશ્‍મીર રાગઃ ભારતે દુઃખતી રગ દબાવીને આપ્‍યો વળતો જવાબ

યુનો, તા.૨૨: તુર્કીના રાષ્‍ટ્રપતિ રિચેપ તૈયપ અર્દોઆને સંયુકત રાષ્‍ટ્ર મહાસભામાં ફરી એક વાર જમ્‍મુ કાશ્‍મીર રાગ આલાપ્‍યો છે. ભારત દ્વારા કડક વિરોધ નોંધાવ્‍યા પછી પણ અર્દોઆને આવું વલણ અપનાવ્‍યું છે. એ પછી ભારતે તુર્કીને ઘેરતા સાયપ્રસનો મુદ્દો ઉઠાવ્‍યો છે. અર્દોઆનના સ્‍ટેટમેન્‍ટના થોડા કલાકોમાં જ વિદેશ પ્રધાન એસ જયશંકરે તુર્કીના પોતાના સમકક્ષ મેવલુલ કાવુ સોગલુ સાથે મુલાકાત કરી હતી અને સાયપ્રસનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. આ મીટીંગની માહિતી આપતા જયશંકરે ટવીટ પણ કર્યુ તેમણે લખ્‍યું, તુર્કીના વિદેશપ્રધાન સાથે મુલાકાત કરી અને તેમની સાથે ઘણા મુદ્દા પર વાત થઇ જેમાં યુક્રેન સંકટ, ખાદ્ય સુરક્ષા, જી-૨૦ દેશ અને સાયપ્રસ સામેલ છે.'
સાયપ્રસનો મુદ્દો તુર્કી માટે કાયમ દુઃખતી રગ જેવો છે અને ભારતે કાશ્‍મીર પર બોલવાના બદલામાં તેની આ દુઃખતી રગ દબાવી છે. ભારતની આ કૂટનીતિને તુર્કીના કાશ્‍મીર રાગનો જોરદાર જવાબ માનવામાં આવે છે.
સાયપ્રસ સાથે ભારતના સંબંધો કાયમ સારા રહ્યા છે અને કાશ્‍મીર મુદ્દે તે છેલ્લા પાંચ દાયકાથી ભારતનું સમર્થન કરતુ રહ્યુ છે. જયપ્રકાશ અને તુર્કીના વિદેશ પ્રધાનની મુલાકાતના થોડા કલાકો પહેલા અર્દોઆને સંયુકત રાષ્‍ટ્રને સંબોધિત કરતા કહ્યું કે ભારત અને પાકિસ્‍તાનને સ્‍વતંત્ર દેશ બન્‍યાને ૭૫ વર્ષ થઇ ગયા પણ હજુ સુધી બંને દેશો વચ્‍ચે શાંતિપૂર્ણ સંબંધો નથી. જે દુર્ભાગ્‍યપુર્ણ બાબત છે. અમને આશા છે કે કાશ્‍મીર મુદ્દે સમાધાન થશે અને ત્‍યાં કાયમી શાંતિ આવશે.

 

(4:26 pm IST)