મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

અરે વાહ...દેશના ૮૦ ટકા લોકો વેકસીન માટે તૈયાર

રસી મુકાવવા ઈચ્છુક દેશોની યાદીમાં ભારત નં. ૧

નવી દિલ્હી, તા. ૨૩ :. કોરોના મહામારી વિરૂદ્ધ રસી મુકાવવામાં ભારતીય લોકો વિશ્વમાં સૌથી વધારે ઈચ્છુક છે. એક સર્વે અનુસાર દર ૧૦માંથી ૮ ભારતીયો એટલે કે ૮૦ ટકા નાગરિકો રસી મુકાવવાની ઈચ્છા ધરાવે છે.

ઈડેલમેન પી.આર. ટ્રસ્ટ બેરોમીટરના ૨૦૨૧માં કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં આ ખુલાસો થયો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આ સર્વેને ધ્યાનમાં લઈને તેનુ શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યુ છે. ભારત, બ્રાઝીલ, મેકિસકો, ચીન, થાઈલેન્ડ, કોલંબિયા, ઓસ્ટ્રેલીયા, સાઉદી અરબ, આર્જેન્ટીના અને યુએઈ આ ટોપ ટેન દેશો છે, જ્યાં સૌથી વધારે લોકો રસી મુકાવવા ઈચ્છે છે.

રશિયા, દક્ષિણ આફ્રિકા, જાપાન, ફ્રાન્સ, સિંગાપુર, સ્પેન જેવા દેશોના લોકોમાં રસી અંગે સર્વેમાં નિરસતા જોવા મળી રહી છે. સર્વે અનુસાર રશિયાના લોકો રસી મુકાવવા બાબતે સૌથી ઓછો રસ ધરાવે છે. જો કે રશિયાએ પોતાને ત્યાં સૌથી પહેલા રસીકરણ શરૂ કરી દીધુ હતું. આ સર્વે અનુસાર ફ્રાન્સમાં ફકત ૫૨ ટકા લોકો જ રસી મુકાવવા ઈચ્છે છે.

૨૮ દેશોના નાગરિકો પર ઓનલાઈન કરાયેલ આ સર્વેમાં ૫૧ ટકા ભારતીયોએ કહ્યું કે તેઓ તાત્કાલીક રસી મુકાવવા તૈયાર છે. જ્યારે ૨૯ ટકાએ કહ્યું કે તેઓ છ મહિનાથી  એક વર્ષમાં  રસી  મુકાવશે.

(10:16 am IST)