મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

કોંગ્રેસ કારોબારીમાં જીભાજોડીઃ રાહુલ ખીજાયાઃ હવે બસ કરો કહેવું પડયું

કોંગ્રેસ કારોબારીની ગઈકાલે યોજાયેલ બેઠકમાં પત્ર લખનાર ૨૩ નેતાઓનું જુથ નિશાના પર આવ્યું: ગેહલોટે સવાલ ઉઠાવતા આનંદ શર્માએ અપમાન થયાનું જણાવ્યું : ગેહલોટને કહેવુ પડયુ કે અંદરોઅંદર લડવાનું બંધ કરી ભાજપ-મોદી સામે લડવુ જોઈએઃ જો કે કોંગ્રેસ પ્રવકતાએ તડાફડી બોલી હોવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હી, તા. ૨૩ :. કોંગ્રેસમાં અંદરખાને બધુ ઠીકઠાક નથી ચાલતુ તેના દર્શન ગઈકાલે યોજાયેલી કારોબારીમાં જોવા મળ્યા હતા. ગઈકાલે યોજાયેલી બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે તાજેતરમાં પત્ર લખનાર એવા અનેક નેતાઓ પર નિશાન સાધ્યુ જેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી સંગઠનાત્મક ચૂંટણીની માંગણી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેહલોટની ટિપ્પણી પર પક્ષના વરીષ્ઠ નેતા આનંદ શર્માએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે આ અપમાનજનક છે. આ દરમિયાન જામી પડતા રાહુલ ગાંધીએ દરમિયાનગીરી કરવી પડી હતી અને કહ્યુ હતુ કે અમે બધાની ભાવનાઓની કદર કરીએ છીએ અને ચૂંટણી કરાવીને આ મુદ્દાના સમાપ્ત કરવો જોઈએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેહલોટે કહ્યુ હતુ કે આપણે બધા લોકો આટલા વર્ષોથી ચૂંટણીથી અહીં નથી આવ્યુ પરંતુ પસંદગીની પ્રક્રિયાથી આવ્યા છીએ.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે ગેહલોટે કોઈ નેતાનું નામ લીધા વગર એવુ પણ કહ્યુ હતુ કે વર્ષો સુધી ચૂંટણી વગર કારોબારીમાં રહેતા લોકો ચૂંટણીની માંગણી કરી રહ્યા છે. ગેહલોટે કહ્યુ હતુ કે પરસ્પરની લડાઈ છોડી મોદીના નેતૃત્વવાળા ભાજપ સામે લડવાની જરૂર છે અને ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસ અધ્યક્ષ પર છોડી દેવો જોઈએ. તેમના પર ભરોસો મુકવો જોઈએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંબિકા સોની, કોંગ્રેસના મહામંત્રી તારીક અનવર, હરીશ રાવત અને બીજા કેટલાક લોકોએ ગેહલોટની બાબતનું સમર્થન કર્યુ હતું. સૂત્રોનું કહેવુ હતુ કે ગેહલોટે ભલે કોઈનુ નામ નથી લીધુ પરંતુ આનંદ શર્માએ વળતો પ્રહાર કરતા કહ્યુ હતુ કે આ અમારા માટે અપમાનજનક છે. આ બાબતે અંબિકા સોનીએ કહ્યુ હતુ કે ગેહલોટ કોઈ નેતાની વાત નથી કરતા પરંતુ ભાવનાત્મક મુદ્દો ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસ કારોબારીમાં વરિષ્ઠ નેતાઓ વચ્ચે તડાફડી બોલી હોવાની બાબતે કોંગ્રેસ પ્રવકતાએ જણાવ્યુ હતુ કે આવી કોઈ ઉગ્ર ચર્ચા થઈ નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હરીશ રાવત અને કેટલાક અન્ય નેતાઓએ રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ બનાવવાની પેરવી કરી હતી. બેઠકમાં ગુલામનબી અને આનંદ શર્માએ સંગઠનની ચૂંટણીની માંગણી કરી હતી.

કોંગ્રેસના નેતાઓ વચ્ચે પરસ્પર ટકરાવની શરૂઆત ગત ઓગષ્ટમાં ગુલામનબી, સિબ્બલ, આનંદ શર્મા સહિત ૨૩ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખી આગ્રહ કર્યો હતો કે કોંગ્રેસનુ સક્રિય નેતૃત્વ હોવુ જોઈએ અને સંગઠનમાં ફેરફાર થવો જોઈએ. આ પત્રને કોેંગ્રેસના અનેક નેતાઓએ ગાંધી પરિવાર સામે પડકાર તરીકે નિહાળ્યો હતો. બિહારની ચૂંટણીમાં ખરાબ દેખાવ બાદ આઝાદ અને કપીલ સિબ્બલ જેવા નેતાઓએ ફરી પક્ષના સક્રિય અધ્યક્ષની નિમણૂકની વાત દોહરાવી હતી.

(11:38 am IST)