મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

પાર્થો દાસગુપ્તાને જે.જે.હોસ્પિટલથી તલોજા જેલમાં મોકલવા મામલે હસ્તક્ષેપ કરવાનો બોમ્બે હાઇકોર્ટનો ઇન્કાર : દાસગુપ્તાને બીમારી સબબ જે.જે.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા : હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં ફેરવવાની અરજદારની માંગણી વિષે દખલ કરવાનો હાઇકોર્ટનો અસ્વીકાર : જેલમાં પણ મેડિકલ ઓફિસર તેમની કાળજી લેશે તેવી મહારાષ્ટ્ર સરકારની વિનંતીને ધ્યાને લઈ દાસગુપ્તાના મેડિકલ રિપોર્ટ સોમવારે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો

મુંબઈ : બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના પૂર્વ સી.ઈ.ઓ.દાસગુપ્તાની તબિયત બગડતા તેઓને જે.જે.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાંથી રજા મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તેમને તલોજા જેલમાં પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો.જેની સામે અરજદારના વકીલે દાસગુપ્તાની વધુ સારી ટ્રીટમેન્ટ માટે  હિન્દુજા હોસ્પિટલમાં મોકલવાની જરૂરિયાત હોવાનું જણાવી સેશન કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી.

પરંતુ ટી.આર.પી.સ્કેમ મામલે જેલવાસ ભોગવી રહેલા દાસગુપ્તાને સેશન કોર્ટએ  જામીન નહીં આપતા અરજદારના વકીલે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.તથા તેઓને જે.જે.હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ જેલમાં મોકલવાને બદલે હિન્દુજા  હોસ્પિટલમાં દાખલ કરવા દેવાની માંગણી કરી હતી.

ઉપરોક્ત પિટિશન મામલે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું  હતું કે જેલમાં પણ દાસગુપ્તાની તબિયતની કાળજી લેવા માટે મેડિકલ ઓફિસરની વ્યવસ્થા કરવામાં આવી છે.તેથી પ્રાઇવેટ  હોસ્પિટલમાં મોકલવા હિતાવહ નથી.આથી નામદાર કોર્ટએ આ મામલે દખલ કરવાનું યોગ્ય ગણ્યું નહોતું. સાથોસાથ મહારાષ્ટ્ર સરકારને દાસગુપ્તાના મેડિકલ રિપોર્ટ સોમવારે રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.  આગામી સુનાવણી સોમવાર ઉપર રાખવામાં આવી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:53 am IST)